બનાસકાંઠાઃ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં છેલ્લા બે વર્ષથી નહિવત વરસાદના કારણે ડેમ તળિયાઝાટક બન્યો હતો. જેના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવું જોવા મળી રહ્યું હતું. પરંતુ રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં શરૂ થયેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે, જેના કારણે હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદી અને બાલારામ નદીમાં ચાલુ વર્ષે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જે તમામ નવા નીર દાંતીવાડા ડેમમાં જતા હાલ દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. દાંતીવાડા ડેમમાં નદીના નવા નીર આવતા ફરી એકવાર પાણીથી ભરાયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોને ખેતીલાયક પાણી અને અનેક ગામોને પીવા માટે પાણી આવનાર સમયમાં મળી રહેશે.
અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પસાર થતી બાલારામ નદી છેલ્લા બે વર્ષથી કોરીધાકોર પડી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર બાલારામ નદી ખળખળ વહેતી થઇ છે. જેના કારણે બાલારામ આવતા પર્યટકોમાં ખુશી જોવા મળી હતી. સારા વરસાદથી બાલારામ નદી ફરી એકવાર બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદીમાં પણ નવા નીર આવતા તેનું તમામ પાણી દાંતીવાડા ડેમમાં જઈ રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવનાર સમયમાં ઉપરવાસમાં સારો વરસાદ થશે તો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ ફરી એકવાર પાણીથી છલકાશે. જેના કારણે બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લાને આવનાર સમયમાં પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.