બનાસકાંઠા: જિલ્લામાં ગુંદરી ચેકપોસ્ટ પરથી રવિવારે ફરી એકવાર પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રક ચાલક અને દારૂ સહિત કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો અવનવા કીમિયા અપનાવી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં રવિવારે જિલ્લાની ગુંદરી બોર્ડર પરથી પણ દારૂ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી પાડી છે. રાજસ્થાનમાંથી ટ્રકમાં કચરાની આડમાં સંતાડીને દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યોં હતો, જોકે ધાનેરા પોલીસે સતર્કતા દાખવી કચરાની નીચે સંતાડેલો દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જયારે ટ્રક ચાલક રામરતન ગુર્જરની પણ અટકાયત કરી છે.
ટ્રક ચાલકની પૂછપરછ કરતાં આ દારૂ રાજસ્થાનના સિકરી જિલ્લાના મહેશ મિણા અને તેના ભાઈ તેજા મિણાએ ગાંધીધામ પહોંચાડવાનું જણાવેલું હતું. જેથી પોલીસે દારૂ મોકલનાર, લઈ જનાર અને ખરીદનાર સહિત તમામ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
હાલમાં જિલ્લામાં દારૂની રેલમ છલમ હોય તેવું દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની નજીક આવેલો હોવાના કારણે મોટા પ્રમાણમાં દારૂ બુટલેગરો દ્વારા બોર્ડર પરથી લાવવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગે દારૂ બનાસકાંઠા જિલ્લામાંથી જ પસાર કરી મોકલવામાં આવે છે.