બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં હતા, ત્યારે આજે બુધવારે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
- બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
- વાવણી થતા ખેડૂતોએ નવેસરથી પાકનું વાવેતર કર્યું
- ધીમીધારે વરસાદ પડતાં લોકોને અસહ્ય ગરમી સામે રક્ષણ મળ્યું
- ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના પાકને આગામી સમયમાં ફાયદો થશે
- બનાસકાંઠા આજુ-બાજુના અનેક ગામો વરસાદ વિહોણા રહ્યાં
બનાસકાંઠા જિલ્લામાં લોકો છેલ્લા ઘણા સમયથી વરસાદ ન થતા અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં હતાં. બીજી તરફ કોરોના વાઇરસના કારણે ખેડૂતોને પણ પોતાના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે સારો વરસાદ થાય તેવી આશાએ ખેડૂતોએ નવેસરથી પાકોનું વાવેતર કર્યું હતું.
છેલ્લા ઘણા સમયથી આકાશ તરફ વરસાદની રાહ જોઇને બેઠેલા ખેડૂતોની આશા વરસાદના છાંટા ધરતી પર પડતાની સાથે જ પુરી થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડતાં લોકોએ અસહ્ય ગરમી સામે રક્ષણ મળ્યુ હતું.
બનાસકાંઠા વાસીઓ વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યાં હતા, ત્યારે આજે બુધવારે ધાનેરા સહિત જિલ્લાના કેટલાક ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો હોવા છતા ધાનેરા તથા તેના આજુબાજુના અનેક ગામો વરસાદથી વિહોળા રહ્યા હતા. ધાનેરા વાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા, ત્યારે બદલાયેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે. જોકે, ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક સારો વરસાદ વરસ્યો હતો. ધાનેરા તાલુકામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો અને લોકો ખુશ જોવા મળ્યા હતા. ગામડાઓમાં રાત્રી સમયથી જ ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. બપોર બે વાગ્યા સુધી અનેક જગ્યાએ એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના પાકને આગામી સમયમાં ફાયદો થશે. આજે બુધવારે બપોર બાદ શરૂ થયેલા વરસાદના કારણે લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.