ડીસા નગરપાલિકા ખાતે જનરલ બોર્ડની મળી બેઠક
- વિવાદિત બગીચાના મુદ્દાને લઇ ધારાસભ્ય અને પક્ષ પ્રમુખ થયા આમને સામને
- ગત બોર્ડની બેઠકમાં બગીચામાં મરામત માટે કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો હતો
- હજુ સુધી કામ ન થતા પક્ષ પ્રમુખે કરી ફરિયાદ
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા નગરપાલિકા ખાતે સોમવારે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જે બેઠકમાં ફરી એકવાર વિવાદિત બગીચાનો મુદ્દો ઉઠતા ધારાસભ્ય અને પક્ષ પ્રમુખ આમને સામને આવી ગયા હતા, જેથી હંગામો મચી ગયો હતો.
ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક સોમવારે મળી હતી. જેમાં ફરી એકવાર વિવાદિત બગીચા મામલે ફરિયાદ થતાં હંગામો સર્જાયો હતો. ગત બોર્ડની બેઠકમાં બગીચામાં મરામત માટે કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો હોવા છતાં પણ અત્યાર સુધી તે અંગે કોઈ જ પ્રકારની સુધારાકીય કાર્યવાહી ન થતા ભાજપના પક્ષ પ્રમુખ નિલેશ ઠક્કરે ફરિયાદ કરી હતી. જોકે વાત-ચીત દરમિયાન ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પક્ષ પ્રમુખ નરેશ ઠક્કર વચ્ચે બોલાચાલી થઇ હતી.
ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં પાંચ વર્ષના શાસન દરમિયાન અનેક ક્ષતિઓ રહી ગઈ હોવાનું વિપક્ષે જણાવ્યું હતું. વિપક્ષ પ્રમુખ વિપુલ શાહે જણાવ્યું હતું કે પાંચ વર્ષના સાશન દરમિયાન નગરપાલિકાએ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો છે, પરંતુ લોકોને સગવડ આપવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે.
ડીસા નગરપાલિકા બોર્ડમાં પ્રમુખે પણ અનેક વિકાસના કામો કર્યા હોવાનું અને નવા વિકાસના કામો મંજૂર થયા હોવાનું જણાવ્યું હતું. જેમાં ભૂગર્ભ ગટર માટે ફેઝ-3 માં અટવાયેલ કામને પણ ગુજરાત સરકારે 13 કરોડ રૂપિયા મંજૂર કરતા આગામી સમયમાં તે કામ પણ શરૂ થશે તેમ પ્રમુખે જણાવ્યું હતું. આ સિવાય ગુજરાતમાં સૌથી સારૂ મુક્તિધામ અને પ્રાર્થના હોલ પણ ડીસામાં બનશે તેમજ ડીસા તાલુકાની પ્રજાને શુદ્ધ સમયસર અને પૂરતું પાણી મળી રહે તે માટે સરકારમાંથી 460 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, જેથી આવનાર સમયમાં ડીસા તાલુકાની પ્રજાને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે તેમ અંતમાં જણાવ્યું હતું. જો કે આ સિવાય બગીચા મામલે બોર્ડમાં ઠરાવ કર્યો હોવા છતાં કેમ ચાલુ નથી થયો તે મામલે પ્રમુખે મોન સેવ્યું હતું.