ડીસા તાલુકાના પેછડાલ ગામે રાજ્ય સરકારના વિરોધમાં અર્બુદા સેનાની (Arbuda Sena) સભા યોજાઈ હતી. બનાસકાંઠાના ડીસામાં આજે અર્બુદા સેના દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલા અંતિમ શક્તિ પ્રદર્શન રૂપી સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિશાલ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આગામી ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને મુક્ત કરવાની એક સાથે માંગ સાથે સભામાં કોંગ્રેસના ધારાસભ્ય શીવા ભુરીયાએ ભાજપ વિરોધી મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યા હતા.
અંતિમ સંમેલન ડીસા તાલુકાના પેછડાલ ગામે અર્બુદા સેનાની (Arbuda Sena) સભા યોજાઈ હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા રાજકીય ગરમી તેની સર જમીન પર પહોંચી ગઈ છે. આ રાજકીય ગરમી વચ્ચે અર્બુદા સેના અલગ અલગ જગ્યા પર સંમેલન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના પેછડાલ ગામમાં અર્બુદા સેના દ્વારા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા અંતિમ સંમેલન યોજાયું હતું. આ સંમેલનની શરૂઆત બાઈક રેલીથી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. પમરું ગામથી નીકળેલી આ રેલી સભાસ્થળ પર પહોંચી હતી.
અર્બુદા સેનાના કાર્યકર્તાઓ યોજાઈ રહેલા સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમા ખુરશી પર પાઘડી મૂકીને પ્રતિક હાજરી દર્શાવી હતી. ત્યારબાદ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. પેછડાલ ગામે યોજાયેલ આ સભામાં સમગ્ર ગુજરાતભરમાંથી અર્બુદા સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલી આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક છોડી દેવામાં આવે તે માટે યોજાઇ હતી. દરેક ચૌધરી સમાજના આગેવાનોએ આજે પોતાના પ્રવચનમાં એક જ વાત કરી હતી કે જો વિપુલ ચૌધરીને તાત્કાલિક છોડી દેવામાં નહીં આવે તો આવનારા સમયમાં સરકારે તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
સરકાર સામે વિરોધ યોજાયેલ આ સભાના આયોજક અને અર્બુદા સેનાના પ્રદેશ પ્રચારક હરજીત ચૌધરી દ્વારા વર્તમાન ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જો તાત્કાલિક અસરથી વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહી આવે તો આગામી 2022ની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આગામી સમયમાં દેશભરમાં વસતા સાડા તેર કરોડ ચૌધરી મતદારો લોકસભાની ચૂંટણીમાં જવાબ આપશે.
વિપુલ ચૌધરીને મુક્ત કરો વિપુલ ચૌધરીની અટકાયત બાદ આક્રમક બનેલી અર્બુદા સેનામાં વર્તમાન સમયમાં સરકાર પ્રત્યે ભારે રોશ જોવા મળ્યો હતો. અને તેના જ પરિણામ સ્વરૂપે આજે પેછડાલ ગામમાં અર્બુદા સેનાના દ્વારા યોજાયેલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં મહિલા અને વૃદ્ધોની સાથે શિક્ષિત યુવતીઓ પણ જોડાઈ હતી અને તમામ લોકો માત્ર ને માત્ર વિપુલ ચૌધરીને મુક્ત કરવાની જ વાત કરી હતી.