ડીસાઃ આજરોજ ડીસા લાયન્સ હોલ ખાતે શહેર તેમજ તાલુકામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનો સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી મહામારીના કારણે લોકડાઉનના અનુસંધાને ડીસા શહેર તેમજ તાલુકામાં દિવસ રાત ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની મેડીકલ તપાસ કરાઈ હતી. જેમાં તમામ પોલીસનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ હતું. તે જાણીને ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ કેમ્પમાં શહેરના નામાંકિત ફિઝિશિયન અને લાયન્સ ક્લબ ઓફ ડીસાના પ્રમુખ (સિનિયર ઝિશિયન ડોક્ટર) ભરતભાઈ મકવાણા તથા ડીસા લાયન્સ ક્લબની હેલ્થ કમિટીના અધ્યક્ષ ફિઝિશિયન ડોક્ટર જયેશભાઈ શાહ, ડોક્ટર આકૃતિબેન શાહ, અમિરામભાઈ જોશી અને શાંતિ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા અત્યંત પ્રશસ્ય સેવાઓ આપવામાં આવી હતી.
આ સમયે ઉત્તર પોલીસ સ્ટેશનના PI પટેલ, ગ્રામ્ય પોલીસના PI ચૌધરી, દક્ષિણ પોલીસ સ્ટેશનના PI ચૌહાણ અને ડીસા પોલીસના પરેડ ઓફિસર પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સોશિયલ ડિસ્ટન્સને સંપૂર્ણ રીતે અનુસરી શિસ્તબદ્ધ રીતે આ કેમ્પનું આયોજન કર્યુ હતું. આમ, આવા જીવલેણ વાઈરસના ભય હેઠળ પણ પોતાના જીવ જોખમમાં મૂકીને લોકોની સેવા કરતાં પોલીસ કર્મચારીઓનું લાયન્સ કલબ ડીસા વતી સેક્રેટરી નરેશ ગુલાબ આપી સન્માન કરાયું હતું.