- સસ્તા અનાજના સંચાલકો દ્વારા સરકારને ચૂનો
- સંચાલકો દ્વારા ગરીબો સુધી અનાજ ન પહોંચાડવાની ફરિયાદો
- થરાના મામલતદારે સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડયો
- મામલતદારની કાર્યવાહીથી કળાબજાર કરતા સંચાલકોમાં ફફડાટ
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક તાલુકાઓમાં સસ્તા અનાજના સંચાલકો દ્વારા સરકારને ચૂનો લગાડી બારોબાર અનાજનો જથ્થો સગેવગે કરતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને જિલ્લાના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા ગરીબોને મોકલવામાં આવતો અનાજનો જથ્થો સસ્તા અનાજના સંચાલકો દ્વારા બહાર વેચી અને ગરીબો સુધી અનાજ ન પહોંચાડવાની અનેક ફરિયાદો સામે આવી છે. અગાઉ પણ સરહદી વિસ્તાર વાવમાં સસ્તા અનાજના સંચાલક દ્વારા ગરીબોને અનાજ ન આપી મોટું કૌભાંડ કરતો હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બુધવારે વધુ એક ફરિયાદના આધારે થરાના મામલતદારે સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડયો છે.
થરા મામલતદારે જથ્થો સિઝ કરી તપાસ હાથ ધરી
કોરોના મહામારીના સમયમાં પણ કેટલાક લોકો ગરીબોના હકનું અનાજ છીનવી લેતાં અચકાતા નથી. કાંકરેજ તાલુકાના થરામાં પણ રવેલ ગામની સસ્તા અનાજની દુકાનનો રેશનિંગનો જથ્થો બારોબાર માર્કેટમાં વેચવા જતાં ઝડપાઈ ગયો છે. દુકાનના સંચાલકે ગરીબોના હકના ઘઉંને પશુદાણની બોરીમાં ભરી માર્કેટમાં વેચવા જઇ રહ્યો હતો. જોકે આ અંગે જાણ થતા જ ગામના મહિલા સરપંચના પતિએ મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ મામલતદારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અહીં પહોંચી છોટા હાથીમાં ભરેલો 20 બોરી ઘઉંનો જથ્થો ઝડપી પાડી ઘઉંના નમૂના લઇ FSLમાં મોકલી આપ્યા છે, તેમજ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આથી અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.
થરા મામલતદારની કાર્યવાહીથી કળાબજાર કરતા સંચાલકોમાં ફફડાટ
ગુજરાત સરકાર દ્વારા દર મહિને ગરીબ પરિવારોને ગુજરાન ચાલી શકે તે માટે સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો જથ્થો આપવામાં આવે છે. પરંતુ સસ્તા અનાજના સંચાલકો દ્વારા ના જેવા પૈસા કમાવાની લ્હાયમાં સરકાર દ્વારા આપવામાં આવતો અનાજનો જથ્થો બહાર વેચવામાં આવતો હોય છે. જેના કારણે ગરીબો સુધી અનાજ પહોંચી શકતું નથી. ત્યારે થરા તાલુકાના રુવેલ ગામે સસ્તા અનાજના સંચાલક દ્વારા છેલ્લા ઘણા સમયથી રાશનનો જથ્થો બહાર વહેંચી કાળા બજાર કરતા હોવાની ફરિયાદો થરા મામલતદાર કચેરી ખાતે નોંધાવી હતી. જેના આધારે બુધવારે થરા મામલતદારે તપાસ કરતા 20 બોરી જેટલો સસ્તા અનાજનો જથ્થો ઘટના સ્થળેથી ઝડપ્યો છે. જે અંગે મામલતદારે કડક કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસના આધારે હાલ બનાસકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા બજાર કરતા સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.