બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ચાર વખત તીડના ઝુંડોએ આક્રમણ કર્યું છે. પાકિસ્તાનથી આવતા તીડના ઝુંડ વારંવાર આક્રમણના કારણે ખેડૂતોને અત્યાર સુધી કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને રણ વિસ્તારમાં થતાં તીડ ખોરાકની શોધમાં માઈગ્રેટ થતા હોય છે અને હજારો કિલોમીટરનું અંતર કાપી એક દેશથી બીજા દેશ માં આતંક મચાવતા હોય છે. અહીં આવતા તીડ મોટાભાગે પાકિસ્તાનથી જ આવતા હોય છે. પાકિસ્તાન સરકાર તીડને નાથવામાં નિષ્ફળ નિવડતા તેના આતંકનો ભોગ ભારત અને ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતોને વેઠવો પડતો હોય છે.
બનાસકાંઠા જિલ્લોએ રણને અડીને આવેલો હોવાના કારણે અહીં વારંવાર તીડ આવી જતા હોય છે. છેલ્લા એક વર્ષમાં અહીં ચાર વખત તીડના ઝુંડનું આક્રમણ થયું છે. ગત વખત ડિસેમ્બર મહિનામાં જે તીડના ઝુંડે આક્રમણ કર્યું હતું તે ખૂબ જ મોટું હતું. અંદાજે 15 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ ઝુંડે હજારો હેક્ટર જમીનમાં ઉભા પાકનો નાશ કરી દેતા ખેડૂતોને 26 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જે મામલે ગુજરાત સરકારે તમામ અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવાની પણ વાત કરી હતી.
પરંતુ હજુ સુધી તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર મળ્યું નથી, ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તીડના આક્રમણના પગલે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તીડ વારંવાર આક્રમણ કરે છે પરંતુ સરકારે હજુ સુધી તેના પર કાબુ મેળવવા માટે કોઈ ચોક્કસ પ્રયાસો કર્યા નથી કે, નથી કોઈ આયોજન જ્યારે તીડ આવે છે ત્યારે ખેડૂતોની મદદ લઈ તીડ પર દવાનો છંટકાવ કરાય છે. પરંતુ તીડ પર નિયંત્રણ મેળવવા માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.