પાલનપુર શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતી લડબી નદીમાં અનેક ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને કારણે લડબી નદી લુપ્ત થઈ ગઈ છે. લડબી નદીનો પટ 50 ફૂટ જેટલો પહોળો હતો, જે અત્યારે 5 ફૂટ થઇ જવા પામ્યો છે. તેમાં પણ ગટરના ગંદા પાણી ઠાલવતા લોકોને બીમારીમાં સપડાવવાનો ભય સતાવી રહ્યો છે. માત્ર બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરાવવાની નીતિના કારણે નગરપાલિકા અને જમીન વિકાસ દફતરની કચેરીએ આડેધડ ખોટી બાંધકામની પરમિશન આપી અને નદીના પટને લુપ્ત કર્યો છે. ત્યારે 2004, 2015 અને 2017માં આવેલા પૂરને કારણે અહીંના સ્થાનિક સોસાયટીઓ બેટમાં ફેરવાઇ ગઈ હતી.
લડબી નદીના દબાણોને કારણે ચોમાસામાં સોસાયટીયોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને લોકો બીમારીમાં સપડાય છે. ત્યારે હવે આ ગેરકાયદેસર દબાણો દૂર કરી અને ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડી લડી લડબી નદીના પટને ખુલ્લું કરવાની લોક માગ ઉઠી છે.
નવાઈની વાત તો એ છે કે, પાલનપુર શહેરના વિકાસના નકશામાંથી લડબી નદી ગાયબ છે. આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા આખરે 22 સોસોયટીના લોકોએ હાઇકોર્ટેના દ્વાર ખખડાવ્યા છે. પાલનપુરના જાગૃત નાગરીકોએ લાડબીના વહેણ બાબતે હાઇકોર્ટમાં પણ અપીલ કરેલી છે અને લડબી નદીના વહેણને ખુલ્લું કરી અને મૂળ વહેણ મુજબ ખુલ્લી કરવા માગ કરી રહ્યા છે. એક તરફ ચોમાસુ નજીક આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા હજી પણ કોઈજ પગલાં ન લેવાતા સ્થાનિક સોસાયટીઓના રહીશોને ઘરમાં પાણી ભરાઈ જઇ અને ભારે નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.