બનાસકાંઠાઃ જિલ્લામાં ખેતીના પાકને યુરિયા ખાતરની ખૂબજ જરૂર છે. ત્યારે લોકડાઉનના કારણે ખાતર નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે ક્યાંક ખાતર આવ્યાના સમાચાર મળે તો તરત જ ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા થઇ જાય છે.
બાજરી, મગફળી, સહિત શાકભાજીમાં યુરિયા ખાતરની જરૂર વધુ પડતી હોય છે. ત્યારે લોકડાઉનના કારણે રેક આવતી નથી અને હાલ રેલવે અને મજૂરો સરકારી અનાજના ગોડાઉનમાં લાગેલા છે સાથે સરકારી અનાજનો જથ્થો રેલવે મારફત રવાના થઈ રહ્યો છે.
જેથી રેક ન ભરવાના કારણે અને મજૂર ન હોવાના કારણે યુરિયા ખાતર આવી શકતું નથી જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત ઉભી થઇ છે. હાલ જિલ્લામાં કેટલાક વેપારીઓ પાસે યુરિયા આવે છે પરંતુ ભાવ વધુ લેવાના કારણે ખેડૂતોને વધુ ભાવ ચુકવવા પડે છે અને ભાવ વધારા મામલે શિહોરી અને દાંતામાં યુરિયાના વેપારી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હાલ જિલ્લાભરના ખેડૂતો જ્યાં યુરિયા ખાતર આવે છે. ત્યાં વહેલી સવારે 6 વાગ્યાથી લાઈનો કરીને ઉભા થઇ જાય છે
જોકે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ ખાતર પૂરતું હોવાના ગાણા ગાઈ રહ્યા છે. બનાસકાંઠામાં પૂરતુ ખાતર હોવાનું અને હાલ 7600 ટન સ્ટોક પડેલો હોવાનું જણાવી રહ્યા છે અને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર ન હોવાનું કહી રહ્યા છે સાથે જિલ્લામાં કાળાબજાર કરતા વેપારી સામે ફરિયાદ પણ કરી છે.
બનાસકાંઠામાં અધિકારીઓ ભલે પૂરતુ ખાતર હોવાની વાતો કરતા હોય પરંતુ હાલ ખરા સમયે જો ખાતર ન મળે તો ખેડૂતના પાકને મોટું નુકસાન થઈ શકે છે હાલ તો સમગ્ર જિલ્લાના ખેડૂતો યુરિયા માટે સવારે 6 વાગેથી પરિવાર સાથે લાઈનોમાં ઉભા થઇ જાય છે. તેના પરથી સાબિત થાય છે કે યુરિયા ખાતરની અછત છે અને ખેડૂતોને પાક બચાવવા યુરિયા અતિ જરૂરી છે.