- બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાયો
- બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાણીની વિકટ સમસ્યાનું સંકટ
- ઘાસચારાની અછતથી પશુપાલકોને સૌથી મોટી અસર
બનાસકાંઠા: આમ તો દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન ચોમાસાની શરૂઆત થતાની સાથે જ થઈ જતું હોય છે. દર વર્ષે સારા વરસાદથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં સૌથી વધુ ખુશી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ થયો નથી. જેના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં દિવસેને દિવસે ચિંતા વધી રહી છે.
આ પણ વાંચો- ખેડામાં વરસાદ લંબાતા વાવેતરમાં ઘટાડો, ધરતીપુત્રો ચિંતિત
ત્રણેય જળાશયોમાં પાણીની આવક થઇ નથી
ઉપરવાસમાં પણ નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીના તળ ઊંડાઈ રહ્યા છે. આ વર્ષે હજુ સુધી ત્રણેય જળાશયોમાં પાણીની આવક થઇ નથી. જેના કારણે ખેડૂતોને અને ડેમ આધારિત પાણી પીતા લોકોમાં જળસંકટની ચિંતા જોવા મળી રહી છે. અત્યારે હાલ તો ખેડૂતો અને લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે, બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થાય.
બનાસકાંઠામાં સૌથી મોટો વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે
બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. વળી અહીં દર વર્ષે રણ પણ આગળ વધતું હોવાના કારણે ખેતીલાયક જમીન ઘટી રહી છે, બીજી તરફ આ જિલ્લામાં પાણીની પણ મોટી સમસ્યા હોવાનાં કારણે ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોની હાલત દિવસેને દિવસે કફોડી બનતી જાય છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઋતુચક્રમાં ફેરફાર થઈ રહ્યો છે અને તેની સીધી અસર ખેતી પર પણ પડી રહી છે, ત્યારે બનાસકાંઠામાં સૌથી મોટો વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે, પણ દિવસેને દિવસે પાણીની અછત અને ખેતીલાયક જમીન ઘટના પશુઓના ઘાસચારા માટેની સમસ્યા પણ વધી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારાની અછત
બીજી તરફ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતા હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોઈએ તેવું આગમન થયું નથી. જેના કારણે ખેતરોમાં સતત ઘાસની અછત સર્જાઇ રહી છે. દર વર્ષે સારા વરસાદના કારણે પશુપાલકોને સહેલાઈથી ઘાસચારો મળી રહેતો હતો, પરંતુ આ વર્ષે વરસાદનો સમય લંબાતા સૌથી મોટી અસર પશુપાલન કરતા પશુપાલકો પર જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લો પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે
બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો હતો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર ખેતીમાં થતાં નુકસાનના કારણે બનાસકાંઠાના ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને બનાસકાંઠામાં એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના થતાની સાથે જ દિવસે ને દિવસે જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ જઈ રહ્યા છે.
ઘાસચારાની અછતના કારણે બહારથી આવતો ઘાસચારો પણ મોંઘો મળે છે
દર વર્ષે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી છોડી પોતાના ખેતરમાં જ મોટો તબેલો બનાવી પશુપાલન વ્યવસાય તરફ જતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન ન થતા પશુપાલકો પણ ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં વરસાદ ન થતા ઘાસચારાની અછત જોવા મળી રહી છે. સતત ઘાસચારાની અછતના કારણે બહારથી આવતો ઘાસચારો પણ મોંઘો મળી રહ્યો છે. જેના કારણે પશુપાલકોને હાલ સૌથી મોટી ઘાસચારાની અછત વર્તાઈ રહી છે.
હાલમાં જિલ્લામાં પાણી અને ઘાસચારાની અછત જોવા મળી રહી છે
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદનું આગમન ન થતા હાલમાં જિલ્લામાં પાણી અને ઘાસચારાની અછત જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોએ આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની નહેર મારફતે ત્રણેય જળાશયોમાં પાણી આપવામાં આવે જેથી દિવસેને દિવસે જે પાણીના તળ એક હજાર ફૂટથી પણ નીચે જઈ રહ્યા છે તે ઉપર આવી શકે.
આ પણ વાંચો- રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
સરકારમાં ઘાસચારા અને પાણી માટે રજૂઆત
બીજી તરફ જળાશયમાં પાણી નાખી બનાસ નદી વહેતી કરવામાં આવે જેથી બનાસ નદી આધારિત અનેક ગામોના ખેડૂતોને ફાયદો થઇ શકે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં પાણી વગર ઘાસચારાની મોટી અછત સર્જાઇ રહી છે, ત્યારે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને તાત્કાલિક ધોરણે ઘાસચારો પૂરો પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.