નવા વર્ષમાં લાભ પાંચમ એટલે તમામ ધંધા-રોજગારના શુભારંભ માટેનો શ્રેષ્ઠ દિવસ. ખેડૂતો માટે પણ ખેતીનું મુહૂર્ત કરવાનો આ અનેરો દિવસ છે, ત્યારે લાભ પાંચમના દિવસે બનાસકાંઠામાં ખેડૂતોએ નવા વર્ષમાં ખેતીની શુભ શરૂઆત કરી છે.
ટ્રેક્ટર દ્વારા વાજતે ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. પહેલા ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતાં, ત્યારે બળદને શણગારી હળ અને બળદની જોડીની પૂજા કરવામાં આવતી હતી, ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું.
સમયની સાથે ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ-બળદના બદલે ટ્રેક્ટરથી ખેતી થવા લાગી છે, ત્યારે આજે ખેડૂતોએ ટ્રેક્ટરની પૂજા કરી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓએ ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેચ્યાં હતાં.
ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી અને આવનારું વર્ષ ખૂબ જ સારું જાય અને ખેડૂતો માટે કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ લાભ પાંચમના દિવસને શુભ માનવામાં આવે છે.
ગત્ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ કપરું રહ્યું હતું, ત્યારે આ વર્ષ તમામ જગતના તાત માટે લાભદાયી રહે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. ખેડૂતોએ પરંપરાગત અને હિન્દૂ સંસ્કૃતિ મુજબ નવા વર્ષે નવી આશા સાથે ખેતીની શરૂઆત કરી છે અને સાથે સાથે ખેડૂતો રાસાયણિકના બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરે અને ધરતી માતાને બચાવવા સલાહ પણ આપી હતી.