- નેપાળ ખાતે યોજાયેલા 6 દિવસીય ટુર્નામેન્ટમાં હરીફ ટિમ સામે 8 પોઈન્ટથી વિજેતા બન્યા
- કુશ ચૌધરીની કેપ્ટનશીપમાં ટિમનું સફળ પ્રદર્શન
- બનાસકાંઠાના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા માગ
- બનાસકાંઠા જિલ્લાના રમતવીરોની અનોખી સિદ્ધિ
બનાસકાંઠાઃ જિલ્લાને આમ તો વર્ષોથી પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે હવે બનાસકાંઠા જિલ્લા થતી પ્રગતિના કારણે હવે બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે. આજે બનાસકાંઠા જિલ્લો ખેતી અને રમત-ગમત ક્ષેત્રે દુનિયામાં પોતાનું નામ મોખરે કરી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ ભણતરની સાથો-સાથ રમત-ગમત ક્ષેત્રે આગળ આવે તે હેતુથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતભરમાં અનેક રમતોનું આયોજન થાય છે અને આ રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાનામાં રહેલી સુસુપ્ત સક્તિઓનું પ્રદર્શન કરી વિજેતા બનતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી અનેક રમતવીરોએ રમત-ગમત ક્ષેત્રે નામના મેળવી છે. બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાના અનેક ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે સારૂં પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાની દિકરીએ નેશનલ ગેમ્સમાં 80 મીટર વિઘ્ન દોડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ
ડીસાના કુશ ચૌધરીએ કબડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
ડીસા તાલુકાના કાંટ ગામનો આ ખિલાડી કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કરે છે. કાંટ ગામનો રહેવાસી કુશ ચૌધરી ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગત 2 વર્ષથી તે સતત કબડ્ડીની રમત માટે દિવસના 5થી 7 કલાક સુધી પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા અને સ્ટેટ લેવલે કબડ્ડીની રમતમાં તેણે ખૂબ જ સારૂં પ્રદર્શન કરતા નેશનલ કબડીની ટીમમાં તેનું સિલેક્શન થયું હતું. જે બાદ નેપાળ ખાતે યોજાયેલી 6 દિવસીય કબડ્ડીની રમતમાં તેને ભાગ લીધો હતો. ભારતની ટીમમાંથી તે કેપ્ટન તરીકેની ભૂમિકામાં હતો ત્યાં પણ તેને ખૂબ જ સારૂં પ્રદર્શન કરી છેલ્લે 8 પોઈન્ટથી જીત મેળવી હતી. ઇન્ટરનેશનલ લેવલે પણ તેને ખૂબ જ સારૂં પ્રદર્શન કરી વિજેતા બનતા તેને ગોલ્ડ મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. હવે આ ખુશ ચૌધરીનું આવતા મહિને દુબઈ ખાતે યોજાનારી કબડી સ્પર્ધામાં પણ સિલેક્શન થયું છે અને ત્યાં જઈને પણ તે ફરીથી ભારતનો ડંકો વગાડશે. આ અંગે ગોલ્ડ મેડલ મેળવનારા કબડી ખેલાડી કુશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જે અમારી ટીમ 8 પોઈન્ટથી જીતી, અમને ગોલ્ડ મેડલ મળ્યો છે, ખૂબજ ખુશી છે અને આગળ હજુ પણ દેશ માટે વધુ મેડલ લાવીશું.
ક્રિકેટની જેમ કબડીને પ્રધાન્ય આપવામાં આવે તો અનેક રમતવીરો આગળ જઈ શકે તેમ છે
હાલમાં સમગ્ર વિશ્વની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવતી હોય તો તે છે ક્રિકેટ. ભારતમાં પણ મોટાભાગના રાજ્યમાં સૌથી વધુ મહત્વ ક્રિકેટને આપવામાં આવે છે, ત્યારે હાલમાં ક્રિકેટની જેમ કબડીની ગેમ લોકચાહના ધરાવતી નથી, ત્યારે આપણા દેશની રાષ્ટ્રીય રમત કબડી પ્રત્યે પણ લોકો રસ દાખવે તો ખેલાડીઓનો ઉત્સાહ વધે અને આપણી રાષ્ટ્રીય રમતમાં પણ વધુ લોકો ભાગ લેતા થાય તેમ ગોલ્ડ મેડલ મેળવનારા કુશ ચૌધરીનું માનવું છે. બીજી તરફ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેવો રમતગમત ક્ષેત્રે સારૂં પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન અને સારા મેદાનો ન હોવાના કારણે આવા રમતવીરો રાષ્ટ્રીય કક્ષા સુધી રમી શકતા નથી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા જો બનાસકાંઠા જિલ્લાના આવા રમતવીરોને યોગ્ય માર્ગદર્શન અને સારૂં કોચીંગ આપવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ અનેક ગોલ્ડ મેડલ બનાસકાંઠા જિલ્લામાં આવી શકે તેમ છે.