બનાસકાંઠાઃ ભારત દેશ ખેતી આધારિત છે. મોટાભાગના લોકો ભારત દેશમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ ભારતમાં એવા અનેક ખેડૂતો પણ જે કે જેઓ પોતાની ખેતીથી લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. આજે પણ અનેક ખેડૂતો સારી ખેતી કરી સારી કમાણી કરી રહયા છે. આમ તો ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત મંદીના કારણે ખેડુતો ધીમે ધીમે ખેતી છોડી રહ્યા છે અને શહેરી ધંધા તરફ જઈ રહ્યા છે. જેના કારણે દેશમાં હાલ ખેતીની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આવા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યાં છે.
ડીસાના રાણપુર વિસ્તારમાં રહેતા કનવરજી ઠાકોર નાના પરિવારમાંથી આવે છે અને પોતાની ખેતીના કારણે હાલ ભારતભરમાં જાણીતા થાય છે. શરૂઆતમાં ખેતીક્ષેત્રે કનવરજી ઠાકોરે ઘણું નુકશાન વેઠવ્યું હતું. પરંતુ ભગવાન જે લોકો મહેનત કરે છે તેમને જરૂર ફળ આપે છે તે કહેવતને કનવરજી ઠાકોરે સાબિત કરી બતાવી અને જે પાક શિયાળામાં ન પાકે તે પાકનું ઉત્પાદન શિયાળામાં મેળવી સારી એવી કમાણી કરી.
આમ તો ચોળીનું શિયાળામાં ઉત્પાદન થતું નથી, પરંતુ કનવરજી ઠાકોરે શિયાળામાં ચોળીનું ઉત્પાદન કરી સમગ્ર ભારતભરમાં નામ રોશન કર્યું છે. જે બાદ ધીમે-ધીમે કનવરજી ઠાકોરે પોતાની સફળ ખેતીની શરૂઆત થતા અન્ય સારા પાક લેવાનું શરૂ કર્યું. જેના કારણે ભારત સરકાર દ્વારા તેમનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સિલેક્શન કરવામાં આવ્યું. તેમની આ સિદ્ધિથી તેમના ખેતરમાં બીજા અન્ય ખેડૂતો પણ તેમની પાસે સલાહ લેવા માટે આવવા લાગ્યા.
શનિવારના રોજ સાંસદ જુગલજી ઠાકોર પણ ખેડૂત કનવરજી ઠાકોરની આ સિદ્ધિની મુલાકાત લેવા માટે ડીસા ખાતે કનવરજી ઠાકોરના ખેતરે પહોંચ્યા હતા. જ્યાં ખેડૂત કનવરજી ઠાકોરની મુલાકાત કરી અને તેમને આ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી તે માટે કનવરજી અને અન્ય ખેડૂતો સાથે બેઠક યોજી હતી.
આ અંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું કે દેશમાં આજે પણ એવા ખેડૂત છે કે જેઓ પોતાની ખેતી થકી પોતાનું અને દેશનું નામ રોશન કરે છે. ત્યારે કનવરજી ઠાકોરે શિયાળામાં જે ચોળીનો પાક નથી થતો તેનું ઉત્પાદન મેળવી અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. ત્યારે શનિવારના રોજ કનવરજી જોડે મુલાકાત કરી અન્ય ખેડૂતો પણ કનવરજી જેમ ખેતી કરી સારી કમાણી કરે તે માટે જણાવ્યું હતું અને વધુમાં કનવરજી ઠાકોર હજુ પણ સારી ખેતી કરી અને દેશનું નામ વધુ આગળ લઈ જાય તે માટે સરકારમાંથી પણ સહાય માટેની માગણી કરવાનું રાજ્ય સભાના સાંસદે જણાવ્યું હતું.