બનાસકાંઠાઃ અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથને નગરચર્યા પર નીકળવાનો દિવસ... સદીઓથી અષાઢી બીજના દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રાને ગ્રહણ લાગ્યું છે. જેથી ચાલુ વર્ષે ગુજરાતના એક પણ મંદિરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ નથી.
ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રા રદ
- કોવિડ-19 વાઇરસે ભગવાન જગન્નાથની રથયાત્રાને ગ્રહણ લગાવ્યું
- રામજી મંદિર ખાતે ભગવાનના માત્ર દર્શન કરવા માટે મંદિરને ખુલ્લુ મૂકવામાં આવ્યું
- મંદિરની 100 મીટરની ત્રિજ્યાને સીલ કરી દેવામાં આવી
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો
આ શહેરોમાં મંદિર પરિષરમાં જ યોજાઈ રથયાત્રા
- ભુજ સ્વામિનારાયણ મંદિર
- જૂનાગઢ
- અમદાવાદ
- ભરૂચ- ફુરજા બંદર
- પાટણ
- સુરત
આ વર્ષે સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રદ કરવામા આવી છે, ત્યારે ડીસામાં પણ આ વર્ષે કોવિડ-19ને પગલે રથયાત્રા યોજવામાં આવી નથી. ડીસા શહેરના રામજી મંદિરથી દર વર્ષે અષાઢી બીજના ધામધૂમથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું નથી.
મંગળવારે રામજી મંદિર ખાતે ભગવાનના માત્ર દર્શન કરવા માટે મંદિરને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને સેનિટાઈઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે, તેવી રીતે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઉપરાંત મંદિર પર લોકોની ભીડ એકત્રિત ન થાય, તે માટે પોલીસ વિભાગ દ્વારા મંદિરની 100 મીટરની ત્રિજયાને સીલ કરી દેવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ડીસાના ઈતિહાસમાં પ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોના વાઇરસના સંક્રમણને કારણે રદ કરવામાં આવતા ભગવાનના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા ભકતોમાં નિરાશા પ્રવર્તી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરી રથયાત્રાને શરતી મંજૂરી આપી હતી. જે કારણે જગન્નાથ પુરી સિવાય દેશમાં ક્યાંય રથયાત્રા યોજાઈ નથી. જો કે, વિવિધ શહેરોમાં જગન્નાથ મંદિર પરિષરમાં જ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ દેશની જનતાને રથયાત્રાની શુભકામના પાઠવી હતી.