બનાસકાંઠા : જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની અને ડૉ.મિતુલભાઈ જશુભાઈ ચૌધરી જે એલ.જી.મેડીકલ કોલેજ અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગની જોખમકારક કામગીરી કરી કોરોના વોરિયર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેમણે પાલનપુરની વિદ્યામંદિર સ્કુલમાં ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યા બાદ અમદાવાદની એલ.જી.મેડીકલ કોલેજમાં ડૉકટર તરીકે ભરતી થયા હતા અને આજે કોવિડ-19નો મક્કમ મનથી મુકાબલો કરી રહ્યા છે. ડૉ.મિતુલ ચૌધરીની સેવા માટે જગણા ગામ પણ ગૌરવ અનુભવી રહ્યું છે.
કોવિડ-19ની કામગીરી વિશે વાત કરતા ડૉ. મિતુલ ચૌધરીએ જણાવ્યું કે, અમને મેડીકલ કોલેજમાંથી સૂચના મળે તે પ્રમાણે અમારે જુદા-જુદા સ્થળોએ જઈને કોવિડ-19ના રિપોર્ટ લેવાના હોય છે. અમારે પહેલાં અર્બન હેલ્થ સેન્ટર પર જવાનું હોય છે પછી ત્યાંથી જણાવ્યા મુજબ ફિલ્ડમાં જઇ શંકાસ્પદ જણાતા વ્યક્તિઓના સેમ્પલ લેવાના હોય છે. તેમણે કહ્યું કે, અમે એક દિવસના સરેરાશ 40થી 50 જેટલાં સેમ્પલ લઇએ છીએ. સેમ્પલ લેતાં સમયે પીપીઇની કીટ પહેરીને ગરમીમાં પરસેવે રેબઝેબ થઇ જવાય તેવી સ્થિતિમાં છેલ્લા બે મહિનાથી સેમ્પલ લેવાની કામગીરી કરીએ છીએ.
ડૉ. મિતુલે વધુમાં જણાવ્યુ હતું કે, તબીબી વ્યવસાયમાં ઝંપલાવ્યા પછી લોકોની સેવા એ જ અમારું મુખ્ય લક્ષ હોય છે, એટલે જ અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે કોરોનાને હરાવવા કટીબધ્ધ છીએ. કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા અને રાષ્ટ્ર સેવા માટે આપણે સૌએ સમર્પિત ભાવથી કામ કરવાની જરૂર છે. આજે દેશનો પ્રત્યેક વ્યક્તિ કોરોના વોરિયર બની આ બિમારી સામે લડવા સજ્જ બને તે આજના સમયની માંગ છે.