બનાસકાંઠાઃ રાજસ્થાનના આબુરોડથી ત્રણ દિવસ અગાઉ સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક ડીસા બસ સ્ટેશનમાંથી ઝડપાઇ ગયો છે. આ અંગેની જાણ થતાં જ ડીસા ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનો પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.
રાજસ્થાનના આબુરોડ ખાતે રહેતો યુવક ડાન્સ ક્લાસ ચલાવે છે. ત્યા ક્લાસીસમાં ડાન્સ શિખવા આવતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્રણ દિવસ અગાઉ ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પરીવારજનોએ આબુરોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેઓની શોધખોળ શરૂ કરી હતી.
તે દરમિયાન આજે રવિવારે ડીસાના નવિન બસ સ્ટેશનમાંથી યુવક અને સગીરા ઝડપાઈ ગયા હતા. જેથી બન્નેને ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જો કે, વિધર્મી યવક સગીરાને ભગાડીને આવ્યો હોવાની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પોલીસ મથકે દોડી આવ્યા હતાં.
આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો પણ દોડી આવ્યાં હતાં. આ અંગે આબુરોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હોવાથી ડીસા ઉત્તર પોલીસે બન્ને યુવક યુવતીને આબુરોડ પોલીસને સોંપ્યા હતા.