ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના પગલે વ્યાપક નુકસાન થયું છે. સતત એક મહિના સુધી વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને ખાસ કરીને સુઈગામ અને વાવ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોએ તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોએ દિવસ-રાત કાળી મજૂરી કર્યા પછી તૈયાર થયેલા પાકમાં કમોસમી માવઠું થતાં ખેડૂતોનાો પાક નિષ્ફળ નિવડ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થતાં સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સુઈગામ તાલુકાના 42 ગામમાંથી 8 ગામના ખેડૂતોને 6800 રૂપિયા લેખે સહાય આપવામાં આવશે. જ્યારે બાકીના ગામના ખેડૂતોને 4000 રૂપિયા લેખે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે, સુઈગામમાં તમામ જગ્યાએ કમોસમી વરસાદના કારણે સમાન નુકસાન થયું છે, તો પછી સરકાર ખેડૂતો સાથે અન્યાય શા માટે કરી રહી છે? ખેડૂતોએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના આગેવાનોના ગામમાં જ બધી સહાય ચૂકવાઇ રહી છે, જ્યારે અન્ય ગામોમાં ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે.
આ મુદ્દે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે કિન્નાખોરી રાખી રહી છે. જો સરહદી વિસ્તારના ખેડૂતોને નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં નહીં આવે તો, અમે આગામી સમયમાં વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દે રજૂઆત કરશું અને તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં પણ અચકાશું નહીં.