- પાલનપુરની રાધાકૃષ્ણ સોસાયટીમાં ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ
- પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી મિક્ષ થઈ આવી રહ્યું છે
- મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું
પાલનપુર: શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં પીવાનાં પાણીની પાઇપલાઇન તૂટ્યા બાદ પીવાનાં પાણી સાથે ગટરોનું ઉભરાતું ગંદુ પાણી મિક્ષ થઈને આવતું હોવાથી સ્થાનિકો હવે આક્રમક બન્યાં છે. સોસાયટીની મહિલાઓ દ્વારા પાલિકા કચેરી ખાતે પહોંચીને પાણીનાં આ પ્રશ્નને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લાં બે મહિનાથી ગટરો ઉભરાતા સ્થાનિકોએ પાલિકતંત્રને કરી રજૂઆત
પાલનપુર નગરપાલિકા અને સમસ્યા એકબીજાના પર્યાય બની ગયા છે. જો નગરપાલિકાની વાત કરીએ તો નજર સામે ઉભરાતી ખુલ્લી ગટરો, ગંદકીનાં ખડકલા અને ગંદા પાણીનાં તમામ દ્રશ્યો નજર સામે આવવા લાગે છે. ત્યારે છેલ્લાં બે મહિનાથી શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં ખુલ્લી ગટરો ઉભરાઈ રહી છે. જેનું ગંદુ પાણી 24 કલાક સોસાયટીનાં જાહેરમાર્ગો પર વહેતું હોવાથી સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ ઉપરાંત તાજેતરમાં પીવાનાં પાણીની પાઇપલાઇન પણ તૂટી જતાં તેમાં ગટરનું ગંદુ પાણી મિક્ષ થઈ નળમાં આવતું હોવાથી સ્થાનિકોને હવે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
એક દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની પાલિકાએ આપી ખાત્રી
બે મહિનાથી સતત ગટરના ગંદા પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓએ આજે પાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજુઆત કરી હતી.આ અંગે સ્થાનિક મહિલા ગીતાબેન ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાલિકાએ એક દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું છે,જો એકમાં નિરાકરણ નહિ આવે તો આગળ જે પણ પરિણામ આવે તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું.