- બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી
- પંપની સફાઈ દરમિયાન ગંદુ પાણી જાહેર રસ્તા પર ઠાલવ્યું
- ગંદાં પાણીની ગંધથી લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ
બનાસકાંઠાઃ હાલમાં કોરોના જેવી ગંભીર મહામારી ચાલી રહી છે. આવામાં સ્વચ્છતા રાખવાથી જ રોગથી બચી શકીશું, પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકા ભાન ભૂલી હોય તેમ લાગી રહ્યું છે. પાલનપુર નગરપાલિકાએ શહેરમાં પંપની સફાઈ શરૂ કરી છે, પરંતુ તેનું ગંદું પાણી જાહેર રસ્તા પર વહેતું થયું છે. આ ગંદા પાણીની ગંધથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હાલમાં કોરોના મહામારી વચ્ચે આવું ગંદું પાણી લોકો માટે મોટી સમસ્યા પણ સર્જી શકે છે, પરંતુ આ બધું જાણવા છતાં પાલનપુર નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું. આ ગંદાં પાણીના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં પાલનપુર નગરપાલિકા નિષ્ફળ
પાલનપુર પાલિકા દ્વારા હમીરબાગ ખાતે આવેલ પાણીના પંપની સફાઈ શરૂ કરાઈ છે. જાહેર જનતાની સુખાકારી માટે શરૂ કરાયેલા આ પંપનું ગંદુ પાણી પાલિકાકર્મીઓએ જાહેર અવરજવરના મુખ્ય રસ્તા પર જ વહેતું કર્યું છે. આના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. પંપની સફાઈ કરવી જરૂરી જ છે, પરંતુ તેમાંથી નીકળતાં ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તે પણ અત્યંત જરૂરી છે તેવો સૂર શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કર્યો હતો.