- બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે પ્રાણપ્રશ્ન
- દિયોદરના ખેડૂતોએ પાણી માટે મામલતદાર કચેરી આગળ ધરણા યોજ્યાં
- પાણી માટે ખેડૂતો સરકાર સામે લડત આપવા તૈયાર
દિયોદરઃ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલની યોજના બનાવવામાં આવી છે અને આ યોજના દ્વારા બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સુધીના ખેડૂતોને ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ હાલમાં દિયોદર તાલુકાના પાંચ ગામમાં નર્મદાની કેનાલ તો બનાવી છે પરંતુ હાલમાં આ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. જેને લઈને હાલમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી સુજલામ સુફલામ નર્મદાની કેનાલ ખેડૂતો માટે સમસ્યાજનક બની છે.
દિયોદરના ખેડૂતોએ સમસ્યાના ઉકેલની માગ સાથે ધરણા યોજ્યાં
બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, પરંતુ સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતા અહીંના ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. ઘણા સમયથી અનિયમિત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઉંડા જઈ રહ્યાં છે અને અત્યારે સ્થિતિ એવી બને છે કે 1000 ફૂટ સુધી પણ પાણી મળતું નથી. નર્મદા નિગમ દ્વારા જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી રહે. તે માટે અહીંના ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી. જેના કારણે ખેડૂતો ના પાકને મોટું નુકસાન થાય છે, જેથી સરકાર સામે રોષે ભરાયેલા ખેડૂતો આજે નાયબ કલેક્ટર કચેરીમાં ધસી આવ્યાં હતાં. 5 તાલુકાના અંદાજિત 300થી 400 જેટલા ખેડૂતોએ નિદ્રાધીન સરકારને ખેડૂતોનો અવાજ સંભળાય તે માટે ઢોલ વગાડતાં વગાડતાં નાયબ કલેકટર કચેરી પહોંચી ઘરણા પર બેસી ગયાં હતાં અને જ્યાં સુધી કેનાલમાં પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.