- ખનીજ વિભાગે કાર્યવાહી દરમિયાન 2 કરોડના મુદ્દામાલ સીઝ કરી 16 લાખનો દંડ ફટકાર્યો
- બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં ખનીજ ચોરી પેટે 2.5 કરોડ દંડ વસૂલ્યો
- 8 પકડાયેલા ડમ્પરમાંથી 4 ડમ્પર રાજસ્થાનથી ખનીજ ચોરી કરી આવતા ઝડપાયા
- ભૂસ્તર અધિકારી સુભાષ જોશીની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો
બનાસકાંઠાઃ આ અંગેની વિગત એવી છે કે, જિલ્લાના વડગામ તાલુકાના મોરવાળા નજીકથી રેતી તેમ જ ખનીજ ભરેલા 6 ડમ્પર પસાર થતા હતા. જિલ્લા ખાણ અને ખનીજ વિભાગની ટીમે આ ડમ્પર રોકતા બિલ પરમીટ વિના રોયલ્ટીની ચોરી કરી ચોરમાર્ગે વાહનો પસાર થતા હોવાનું સામે આવ્યું હતું. પોીલસે 6 ડમ્પર કબ્જે લીધા હતા. આમાંથી 4 ડમ્પર તો રાજસ્થાનથી બોકયાર ખનીજ અને રેતી ભરીને બારોબાર જતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.
રોયલ્ટી ચોરી કરનારાઓ પાસેથી એક વર્ષ દરમિયાન 2.5 કરોડ રૂપિયા દંડ વસૂલાયો
આ ઉપરાંત બે ડમ્પર પાલનપુર નજીકથી પણ સિમેન્ટ અને બિલ્ડિંગ સ્ટોન ભરી પસાર થતા હતા. આ કુલ 8 ડમ્પરોને ઝડપી રોયલ્ટી ચોરીના ગુના હેઠળ 2 કરોડના વાહન મુદ્દામાલ કબ્જે લઈ 8 ડમ્પરોના માલિકોને રૂ. 16 લાખનો દંડ ફટકારાયો છે. જોકે, જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું કે, એક વર્ષ દરમિયાન રોયલ્ટી ચોરી કરનારા તત્વો સામે લાલ આંખ કરી કુલ રૂ. 2.5 કરોડથી પણ વધુનો દંડ વસૂલ કર્યો છે. જોકે, આટલી કાર્યવાહી કરાઈ હોવા છતા જિલ્લામાં ખનીજ માફિયાઓ હજૂ પણ બિન્દાસ્ત ખનીજ ચોરી કરતા જ રહે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, શું ખાણ ખનીજ વિભાગની આ કામગીરી માત્ર દેખાડા પૂરતી તો નથી ને...