બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસેને દિવસે લોકોના વધતા જતા સંક્રમણના કારણે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ બે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના વાઇરસથી બચવા માટે સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ જાણે લોકોને કોરોના વાઇરસથી કંઈ લેવા દેવા ન હોય તેમ લોકો બહાર ફરતા નજરે પડી રહ્યા છે. ક્યાંક લોકો માસ્ક વગર જોવા મળે છે, તો ક્યાંક લોકો પોતાના ધંધા પર લોકોની ભારે ભીડ કરીને ઉભા રાખેલા જોવા મળે છે.
આવી ભૂલોના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસના વધતા જતા કેસોના કારણે આરોગ્ય વિભાગ માટે ચિંતાઓ ઉભી થઈ રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના બેથી ત્રણ કેસો સામે આવ્યા છે. સતત બજારોમાં વધતી ભીડના કારણે જિલ્લામાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના બે કેસ સામે આવ્યા હતા. જેમાં દિયોદર ખાતે 1 અને પાલનપુર ખાતે 1 કેસ આવ્યા હતા. જેથી હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓની 147 સંખ્યા થઈ છે.
જ્યારે ડીસામાં આજે એક કોરોના વાઇરસના દર્દીનું કોવિડ હોસ્પિટલ ખાતે મોત થતા અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 8 જેટલા કોરોના વાઇરસમાં લોકોના મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકો સુરક્ષિત રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે, ત્યારે આગામી સમયમાં લોકો જાતે જ કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવતા નહીં શીખે તો આગામી સમયમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ શકે તેમ છે.