બનાસકાંઠા: જિલ્લામાં વધુ 10 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. અત્યાર સુધી બનાસકાંઠામાં કુલ 31 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી એક 65 વર્ષીય મહિલાનું મોત થયું હતું. જ્યારે બે બાળકો સહિત 4 લોકો સ્વસ્થ્ય થઈ જતા તેઓને રજા આપવામાં આવી હતી.
જે બાદ પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ 16 દર્દીઓ પૈકી વધુ 10 દર્દીઓનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા તેમને રજા આપવામાં આવી હતી. આ 10 દર્દીઓને પાલનપુરની કોવિડ હોસ્પિટલના તબીબી અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગની સતત દેખરેખ અને સાવચેતીના કારણે અત્યાર સુધી 31માંથી બે બાળકો સહિત 14 લોકો કોરોના જેવી મહમારીને માત આપી જલ્દી સ્વસ્થ્ય થઈ ઘરે જવામાં સફળ રહ્યાં છે. તેમજ પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં હજુ પણ 16 દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યારે આ તમામ દર્દીઓ પણ જલ્દી કોરોના મુક્ત થાય તે માટે તબીબો અને સ્ટાફ રાતદિવસ કામ કરી રહ્યાં છે.