જમ્મુ-કાશ્મીરમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી રહી હોવાના કારણે તાપમાન 5 ડિગ્રી સુધી પહોંચી જતા તેની સીધી અસર બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે અને બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો 4 ડિગ્રી જેટલો ગગડી જતા અહીં ડીસા સહિત આજુ બાજુના વિસ્તારનું તાપમાન 6.8 ડિગ્રી સુધી નીચું ગયું છે. જે તાપમાન 10 વર્ષ બાદ ગયું છે. જેથી હાડ થીજાવતી ઠંડીથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઠંડીથી બચવા માટે લોકો અનેક પ્રયાસો કરે છે.
ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધુ થતો હોવાના કારણે લોકો ગરમ કપડાનો સહારો સૌથી વધુ લેતા હોય છે. જ્યારે કામ ધંધા અર્થે નીકળતા લોકોને ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા નજરે પડી ગયા છે. જોકે આ સિઝનની સૌથી વધુ ઠંડી હવે પડી રહી છે. જેના કારણે દિવસે પણ મોડા સુધી લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડામાં જોવા મળ્યા હતા, ત્યારે આગામી સમયમાં હજુ પણ કપરી ઠંડીનો સામનો લોકોએ કરવો પડશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.