બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાવામાં આવ્યું હતું. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાતભરમાંથી 500થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો હતો. જેને જોવા માટે આજુ-બાજુના ગામડાઓમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી.
અશ્વ-શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે. અશ્વોએ હંમેશા યુદ્ધમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે. દેવતાઓ હોય કે દાનવો કે પછી માનવીના જીવનમાં અશ્વનું મહત્વ અનેરુ રહ્યું છે. દેવરાજ ઇન્દ્રનો અશ્વ ઉચ્ચએશ્રવા હોય કે મહારાણા પ્રતાપનો જગ વિખ્યાત અશ્વ ચેતક, કે શિવાજી મહારાજની ઘોડી ક્રિષ્ના. આવા અશ્વોને કારણે જ યજ્ઞ સંસ્કૃતિએ અશ્વમેઘ યજ્ઞનું નામ આપ્યું હતું. આ અશ્વ સંસ્કૃતિને જીવતી રાખવા જસરા ગામમાં છેલ્લા 7 વર્ષથી અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 8મા અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અશ્વમેળામાં 500થી પણ વધુ અશ્વસવારોએ ભાગ લીધો હતો. અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી ઓલાદના અશ્વો ભાગ લીધો હતો. ચાર દિવસ સુધી ચાલતા આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ સવારો આવ્યાં હતાં. જસરા ગામમાં સ્થિત બુઢેશ્વર મંદિરે ધજા ચડાવી આયોજક મહેશ દવેએ ચાર દિવસીય અશ્વ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
જસરા જેવા નાનકડા ગામમાં ર૦૧રમાં શરૂ કરવામાં આવેલો અશ્વમેળો ધીમે ધીમે લોકોમાં પ્રખ્યાત થઈ રહ્યો છે. આ વખતે મહાશિવરાત્રિનો મહામેળો ચાર દિવસ સુધી ચાલ્યો. આ અશ્વમેળાનો લોકો ભરપૂર આનંદ માણ્યો હતો. મેળામાં યુવા-અશ્વસવારોનો જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અશ્વ-મેળાની સાથે લોકોએ આનંદમેળાનો પણ લ્હાવો લીધો હતો.
આવા લોકમેળાથી મૂળ પ્રાચીન સંક્સૃતિ ઉજાગર થઈ રહી છે. જ્યારે શહેરોની ઝડપી જીવન શૈલી વચ્ચે આવા લોકમેળા લોકોના મનોરંજનનું માધ્યમ બન્યાં છે.