બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રોડ પર ચાલતા રાહદારીઓના અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ ડીસાના આરટીઓ ચાર રસ્તા પાસે એક ટેલરે રસ્તા પર ચાલતા એક વ્યક્તિને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ત્યારે રવિવારના રોજ વધુ એક અકસ્માત ડીસાના આખોલ ચાર રસ્તા પાસે બન્યો હતો. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે મોડી સાંજે રાહદારી માતા-પુત્રને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાતા મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી.
બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ ડીસા તાલુકા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે તેમજ મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. નાના માસૂમ બાળકની આંખો સામે જ માતાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.