બનાસકાંઠાઃ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતાની સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજા થાય છે. માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી 20કિ.મી. દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા BSF કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પૂજા-આરાધના કરે છે.
દેશની સરહદે આવેલી રક્ષક દેવીનો ઇતિહાસ અનોખો છે. એક દંતકથા મુજબ જૂનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કર્યું હતું, ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપ્યા હતા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પૂજાય છે. કચ્છના રણમાં અનેક બેટ દ્વીપ આવેલા છે. જેમાં નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે.
હાલ ભલે આ અફાટ રણ હોય પરંતુ આઝાદી પહેલાં નડાબેટની ખૂબ જાહોજલાલી હતી. જાગીરદારો તથા માલધારીઓ અહીં વસવાટ કરતા હતા, કુદરતી ઝરણાં વહેતાં હતાં. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજૂરી માટે જતા, ત્યારે નડેશ્વરી માતાને વંદન કરીને પ્રસાદી ચડાવતા હતા. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજૂમાં ગૌશાળા પણ આવેલી છે, જ્યારે BSFનો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
નડાબેટની આ ભૂમિ પર ધણા સંતોએ તપ કર્યું છે. જેથી આ ભૂમિને માટે પવિત્ર તપોભૂમિ કહેવામાં આવે છે. નડાબેટની બાજૂમાં આવેલી ભારત પાકિસ્તાનની બોર્ડર જોવા માટે પણ દૂર દૂરથી લોકો આવે છે. આ બોર્ડર પર દર રવિવાર મેળા જેવા દ્રશ્યો સર્જાય છે. અહીંયા શાળાના બાળકો પણ પ્રવાસે આવે છે. દિવસ રાત ભારત માતાનું ધ્યાન રાખનારા જવાનો પણ અહીં આવનારા લોકોને બોર્ડર બતાવવા લઈ જાય છે.