- બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારોના બનાવોમાં વધારો
- બનાસકાંઠા જિલ્લાના વિવિધ સંગઠનો મેદાનમાં
- મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રહે તે માટે નવી પહેલ
બનાસકાંઠાઃ જિલ્લાને અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં મોટો વધારો જોવા મળે છે, ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવ પોલીસ ચોપડે નોંધાય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ મહિલા પર અત્યાચારની ઘટનાઓ સામે આવી છે. એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મહિલાઓ સુરક્ષિત રહે તે માટે દર વર્ષે મોટા-મોટા વાયદાઓ કરે છે, ત્યારે બીજી તરફ વધતા જતા ગુનાઓમાં સૌથી વધુ મહિલાઓની ફરિયાદો પોલીસ ચોપડે જોવા મળી રહી છે.
લવ જેહાદના વિરોધમાં આવેદનપત્ર
ડીસામાં હિન્દુ યુવા સંગઠન અને એકતા એજ લક્ષ નામની સંસ્થાએ લવ જેહાદના વિરોધમાં બ્યુગલ ફૂંક્યું છે અને દેશમાં વધતી જતી લવ જેહાદની ઘટના પર અંકુશ લાવવા માટેની માંગ કરી છે. સંસ્થાએ આવી ઘટનાઓ અટકાવવા માટે બંધારણમાં સંશોધન કરવાની માગ કરી છે. આ સાથે જ જે કોઈ હિન્દુ દીકરી વિધર્મી સાથે લગ્ન કરવા કે મૈત્રી કરાર કરવા માંગતી હોય, તે દીકરીના માતા-પિતાની લેખિતમાં સંમતિ લેવાનો કાયદો બનાવવાની વાત કરી છે. આ તમામ મુદ્દાઓને લઈ મંગળવારે એકતા એજ લક્ષ નામની સંસ્થાએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મહિલાઓની રક્ષા અર્થે નવી પહેલ
ડીસામાં આવેલા હિન્દુ યુવા સંગઠન દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ડીસાના હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તમામ જાહેર જગ્યા ઉપર પેટી મૂકવામાં આવી છે અને આ પેટીમાં દરેક મહિલાઓ પોતાના પ્રશ્નો જણાવવા અંગે કહ્યું છે. આ પેટીમાંથી નીકળતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હિન્દુ યુવા સંગઠન પ્રયાસ કરશે.