બનાસકાંઠા: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇ ભારતભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગતરોજ અયોધ્યામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવતા ભારતભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ આ મંદિરના નિર્માણ બાદ હવે અનેક વિવાદો બહાર આવી રહ્યા છે. જેમાં સોશિયલ મીડિયામાં ગુરુ શંકરાચાર્યના વિરોધમાં ટિપ્પણી થતા ભારતભરમાં તેમના સમર્થકો દ્વારા ઠેરઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન મુહૂર્ત મામલે જગતગુરુ શંકરાચાર્ય પોતાનો મત રજૂ કર્યો હતો. જે મામલે ભાજપના નેતા કપિલ મિશ્રાએ જગતગુરુ શંકરાચાર્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી. કપિલ મિશ્રાએ ટ્વીટર પર શંકરાચાર્ય રામ મંદિરમાં રોડા નાખતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતાં. તેમજ તેઓ સોનિયા ગાંધીના કટ પૂતળી હોવાનું પણ જણાવતા હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ભાજપના નેતા દ્વારા આવી ટિપ્પણી કરતા હિન્દુ સમાજે પણ નારાજગી વ્યક્ત કરી છે અને આજે ગુરૂવારે ડીસા હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા દક્ષિણ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે. ટિપ્પણી કરનાર સામે IPC કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.