ભાભરઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા સાર્વત્રિક ધોધમાર વરસાદના કારણે અનેક તાલુકાના ખેડૂતોને પોતાના ખેતરોમાં ઉભેલા પાકને લઈ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આપત્તિથી મોટુ નુકસાન વેઠી રહ્યાં છે ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાના ખેડૂતોને પોતાના ખેતરમાં વરસાદી પાણી ભરાઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સરકાર પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ઘણા સમયથી થઇ રહેલા નુકસાનનું વળતર ચૂકવતી નથી જેના કારણે ચાલુ વર્ષે કુદરતી આપત્તિના કારણે થયેલા નુકસાનના તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માગ કરી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા ભાભર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેતરો આજેપણ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યાં છે ભાભર તાલુકાના જોરવાડા ગામમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાયેલા યથાવત છે. આ વરસાદી પાણીના કારણે અહીંથી અવરજવરમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. તો બીજી તરફ ખેતરોમાં પાણી ન સુકાતા પાક પણ ખરાબ થઈ જવા આવ્યો છે. આ વરસાદી પાણી ભરાતા હાલ ખેડૂતોના ખેતરમાં ઉભેલા એરંડા, તલ બાજરી અને જુવાર જેવા પાકને મોટું નુકસાન થયું છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ભાભર તાલુકાના ખેડૂતોએ માથે દેવું કરીને કરેલ ખેતીનો પાક સુકાઈ જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયાં છે ત્યારે ગુજરાત સરકારે 33 ટકા કરતાં વધુ નુકશાન બાબતે સહાયની જાહેરાત પણ કરી છે. ત્યારે અધિકારીઓ કઈ રીતે સર્વે કરે છે એ પણ મોટો સવાલ છે. અગાઉના પાક વિના પણ મળ્યાં નથી. ત્યારે સરકાર તત્કાલ સચોટ સર્વે પૂરું કરી સહાય આપે એ અપેક્ષા જોરવાડાના ખેડૂતો રાખી રહ્યાં છે, કારણ કે કુદરત સામે લાચાર બનતો ખેડૂત આખરે સરકાર પાસે મદદ માગતો જોવા મળી રહ્યો છે.