છેલ્લા 1 મહિનાથી રાહ જોવડાવ્યા બાદ આખરે છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં બીજા રાઉન્ડમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે.
9 ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણ સોળે કળાએ ખીલ્યું છે. ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તેનું પાણી બનાસકાંઠાની નદીઓમાં આવી રહ્યું છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ બે કાંઠે વહેવા લાગતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ સીપુ ડેમમાં નવા નીરની આવક શરુ થઇ ગઇ છે. આગામી સમયમાં નદીના પાણીની આવક વધવાની શક્યતાઓ રહેલી છે.