બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ મચ્છરમુક્ત શહેર બનાવવા માટે કટિબધ્ધ બન્યું છે. વિશ્વમાં સૌથી વધુ બીમારીઓ મચ્છરના લીધે થતી હોય છે અને સરકાર પણ મચ્છર જન્ય રોગને અટકાવવા માટે હંમેશા પ્રયાસ કરતી હોય છે. મચ્છર જન્ય બીમારીઓમાં મેલેરિયાથી લઇ ડેન્ગ્યુ અને ચીકનગુનિયાનો લોકો ભોગ બનતા હોય છે.
બનાસકાંઠા જીલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાની બિમારીનું પ્રમાણ પણ જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી વધતું હોય છે. ડીસામાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય બિમારીઓમાંથી લોકોને મુક્તિ મળી રહે અને ડીસા તાલુકો મચ્છર મુક્ત બની રહે તે માટે કટિબધ્ધ થઈ છે અને ડીસાને મચ્છર મુક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગપ્પી નામની માછલીનું એક નાનકડું ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને આ ઉછેર કેન્દ્રમાથી ગપ્પી નામની માછલીઓને લઈને ગામડાઓના તળાવમાં છોડવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યાં અનુસાર ગપ્પી માછલી પોરા ભક્ષક માછલી છે અને તે તળાવોમાં કે જ્યાં મચ્છરોના ઈંડામાથી પોરા તૈયાર થાય છે તે પોરાને આ ગપ્પી માછલી ખાઈ જાય છે અને તેનાથી મચ્છરોની ઉત્પતિ અટકી જાય છે. આરોગ્ય વિભાગને પણ આશા છે કે તેમના આ પ્રયાસથી ડીસાને મચ્છર મુક્ત બનાવી શકવામાં સફળતા મળશે.
માનવીનું લોહી ચુસ્યા પછી જ મચ્છર ઇંડા મૂકે છે. પ્રથમ કાંકરિયામાંથી ગપ્પી માછલી લવાઇ હતી. મેલેરિયા માટે ખતરનાક ગણાતો માદા એનોફિલીસ મચ્છર ૧૦૦થી વધુ ઇંડા મુકે છે. તેમાંથી ખુબ ઝડપથી ઉદ્પાદન થતાં મચ્છરના ઉપદ્વને નાથવા માટે મોટા તળાવોમાં ગપ્પી માછલી છોડવામાં આવે છે.
આવી એક માછલી દિવસમાં મચ્છરના 300 ઇંડા ખાઇ જાય છે. જેથી મચ્છરોના ઉપદ્રવમાં ઘટાડો કરી શકાય છે. કુદરતની પ્રકૃતિ મુજબ દરેક શહેર અને જિલ્લામાં ચોમાસા દરમિયાન મચછરોની ઉત્પત્તિ કેન્દ્રોમાં સ્વાભાવિક રીતે જ વધારો થતો હોય છે. તેને અંકુશમાં લેવામાં ન આવે તો મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળો ફાટી નીકળતા વાર નથી લાગતી.
મેલેરિયા વાહક તરીકે ઓળખાતો એનોફિલીસ નામનો માદા મચ્છર માનવીને કરડ્યા પછી જ ઇંડા મૂકી શકે છે. એટલે કે તેને ઇંડા મૂકવા માટે માનવીનું લોહી ચૂસવુ પડે છે. આ મચ્છર એક સાથે ૧૦૦થી વધુ ઇંડા મૂકી શકે છે. મચ્છર ઇંડા મૂકે તેના બીજા દિવસે ઇંડામાંથી પોરા બને અને છઠ્ઠા દિવસે પોરામાંથી કોસેટો બને છે. તે પછી ૭મા દિવસે કોસેટોમાંથી પૂર્ણ સ્વરૂપનો મચ્છર બનતો હોય છે. તળાવના પાણીમાં થતાં મચ્છરોના પોરાનો વિકાસ અટકાવવા ગપ્પી માછલી છોડવા પડે છે.
આજથી સાત વર્ષ પહેલાં અમદાવાદના કાંકરિયા તળાવમાંથી ગપ્પી માછલીનો જથ્થો પ્રથમ વખત લાવવામાં આવ્યો હતોત્યાર બાદ અલગ અલગ જિલ્લાઓમાં તેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગની ગ્રામજનો પણ હવે રોગ મુક્ત બનશે તેવી આશા સેવાઈ રહી છે.