બનાસકાંઠા : તુર્કીમાં બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર ગુજરાતી યુવકની યુવતીઓના મૃત્યુ થયા છે. ત્યારે વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની યુવતી અને પોરબંદરના એક યુવતી અને બે યુવકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. જેને લઇને પરિવારોમાં ગમગીની સર્જાઈ છે. હોટલ મેનેજમેન્ટના અભ્યાસ અર્થે ભાંગરોડીયા ગામની યુવતી અંજલી મકવાણા એક વર્ષ અગાઉ તુર્કી ગઈ હતી. વર્ક પરમિટ પર હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી અને પાર્ટ ટાઈમ જોબ કરતી હતી, ત્યારે સોમવારે મિત્રો સાથે ફરવા નીકળેલી આ યુવતી અને તેના મિત્રોને કાર અકસ્માત થયો હતો.
પરિવારની માંગ : કાર અકસ્માત થતાં ઘટના સ્થળે ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જોકે સોમવારે વહેલી તુર્કીમાં થયેલા યુવતીના અકસ્માતથી મૃત્યુના સમાચાર યુવતીના કાકા દ્વારા પરિવારને કરાતા જ પરિવારમાં રોકકળ મચી ગઈ હતી. છેલ્લા બે દિવસથી પરિવારજનો દીકરીના મૃતદેહની રાહ જોઈને શોક મગ્ન હાલતમાં છે. દીકરીના પરિવાર સહિત ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે, સરકાર વહેલી તકે દીકરીના મૃતદેહને પરત લાવે.
જે તારીખ ઘરેથી બહાર નીકળી તે તારીખ મૃત્યુ : મહત્વની વાત છે કે, દીકરીનું મૃત્યુ 3જી જુલાઈ 2023 એ વહેલી સવારે થયું હતું. જોકે દીકરી ઇન્ડિયાથી તુર્કી પણ 3જી જૂલાઈ 2022 ગઈ હતી, એટલે કે દીકરી જે તારીખે અને જે સમયે ઘરેથી તુર્કી જવા નીકળી તે જ સમયે અને તે જ તારીખે દીકરીના મૃત્યુના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ છે.
અંજલી એ મારી બેબી હતી અને છેલ્લા એક વર્ષથીએ સાયફ્રસમાં હતી. એનો કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. હવે તેની મૃતદેહ જલ્દી અહીં પાછો લાવવા માટે અમે કલેક્ટર, ડીડીઓ અને અમારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સાથે રાખીને તંત્રને વિનંતી કરેલી છે કે જેમ બને તેમ જલ્દી અમારી બેબીનો મૃતદેહ અમને ઘરે લાવી આપવામાં આવે. - કનુભાઈ (દીકરીના પિતા)
ગ્રામજનોની માંગ : આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અંજની કમુભાઈ મકવાણા આ સાયફ્રસમાં હતી. તેનું ત્યાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે અને અહીં અમે તમામ ગ્રામજનો સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમારી આ દીકરીને જેમ બને તેમ વહેલી તકે અહીં અમને સોંપવામાં આવે.