- ડીસામાં ગરમીનો પારો 39 ડીગ્રી પહોંચ્યો
- 10થી સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂનો અહેસાસ થઇ રહ્યો છે
- ઠંડીમાંથી ગરમીની શરૂઆત થતાં બીમારીમાં પણ વધારો
ડીસાઃ આમ તો ઉનાળાની શરૂઆત હોળીના તહેવાર બાદ શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે હજુ તો હોળીનો તહેવાર શરૂ થયો નથી અને લોકોએ અત્યારથી જ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે. જેના કારણે લોકો અત્યારથી જ ગરમીનો સામનો કરતા નજરે પડી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમીના કારણે હાલ તમામ રસ્તાઓ પણ બપોર બાદ સૂમસામ ભાસી રહ્યાં છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ગરમી પડી રહી છે તેના કારણે જનજીવન પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ગરમીના કારણે બજારો પણ સૂમસામ જોવા મળી રહી છે.
તાપમાનનો પારો 39 ડીગ્રી પહોંચ્યો
ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે અને દર વર્ષની જેમ ગરમી હવે તેનો અસલ મિજાજ બતાવી રહી છે. ત્યારે આજે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ વખતે તાપમાનનો પારો 39 ડીગ્રી થતાં નગરજનોએ ગરમ લૂનો અહેસાસ કર્યો હતો. ડીસામાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 39 ડીગ્રીએ પહોંચી જતાં આગામી સમયમાં ગરમી કેટલો સિતમ વરસાવશે તેનો ખ્યાલ આવી જાય તેમ છે.
આ પણ વાંચોઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે: હવામાન વિભાગ
ઢળતી સાંજ સુધી લૂનો અહેસાસ
ડીસામાં અત્યારે સવારના દશ વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂનો એહસાસ થઇ રહ્યો છે. લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. આજનું ડીસાનું મહત્તમ તાપમાન 39 ડીગ્રી સુધી પહોંચ્યું હતું. આગામી સમયમાં બનાસકાંઠા વાસીઓને વધુ ગરમીનો સામનો કરવો પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગ દ્વારા આગાહી, પાંચ દિવસમાં ગરમીમાં થશે વધારો
ગરમીની શરૂઆત થતાં બીમારીમાં પણ વધારો
શિયાળાની ઋતુ હમણાં જ પૂર્ણ થઈ છે અને ધીમે ધીમે ઉનાળો શરૂ થયું છે જેના કારણે હાલ બપોર બાદ લોકો કરતી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત સહિત સમગ્ર ડીસા શહેરમાં હાલમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે હાલમાં લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યાં છે. હાલમાં જાહેર રસ્તા ઉપર મોટી સંખ્યામાં ઠંડા પીણાના નવા સ્ટોલો પણ શરૂ થઈ ગયાં છે અને તમામ સ્ટોર ઉપર રાહદારીઓ મોટી સંખ્યામાં ઠંડા પીણાનું સેવન કરતા નજરે પડી રહ્યાં છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સવારના સમયે ઠંડીનું પ્રમાણ અને બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતાં બીમારીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. ખાસ કરીને આ ગરમીની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે ત્યારે હજુ પણ લોકોએ આગામી સમયમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.