થોડા મહિના અગાઉ સુરતના એક શોપિંગ સેન્ટરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યું હતું. જેમાં અચાનક શોર્ટસર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી, જેના કારણે અનેક માસૂમ બાળકો આ આગમાં હોમાઇ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરો શોક છવાયો હતો. આ ઘટના બનતા ગુજરાત સરકાર હરકતમાં આવી તાત્કાલિક ખાનગી ટ્યુશન ક્લાસીસ શાળાઓ તેમજ કોલેજમાં કયા પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે છે, તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
ત્યારે પોરબંદરના ઇન્ટરનેશનલ રેસ્ક્યુ ટ્રેનર ત્રિલોકભાઈ ઠાકોર દ્વારા છેલ્લા ઘણા સમયથી આપત્તિ સમયે કઈ રીતે બચવું તે માટેનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. ત્રિલોકભાઈ ઠાકોર દ્વારા અત્યાર સુધી અનેક રાજ્યોમાં આવેલી શાળાઓમાં તેમજ કોલેજોમાં આપત્તિ સમયે કઈ રીતે બચવું તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે આજે ડીસા ખાતે નવજીવન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને આપત્તિ સમયે દોરડા વડે કઈ રીતે નીચે ઉતરવું તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી.
ડીસા ખાતે કાર્યરત નવજીવન બી.એડ કોલેજમાં પોરબંદરના ઇન્ટરનેશનલ રેસ્ક્યુ ટ્રેનર ત્રિલોકભાઈ ઠાકોર દ્વારા આપત્તિ સમયે કઈ રીતે બચવું તે માટેની અલગ અલગ ટેકનીકો દોરડા વડે સમજાવવામાં આવી હતી. જેમા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ 2 કલાક સુધી આ તાલીમ મેળવી હતી. આ તાલીમ દ્વારા ગમે તે સમયે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અન્ય લોકોને મદદરૂપ થાય તે માટે તાલીમ મેળવી હતી.