બનાસકાંઠાઃ જિલ્લાના ઢીમા પાસેથી પસાર થતી રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં શુક્રવારે વહેલી સવારે ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાના આરે છે.
બનાસકાંઠાના વાવ પંથકની કેનાલો તૂટવાનો મુદ્દો પહેલા નંબરે છે. ગત 1 મહિનામાં 6થી 7 જગ્યાએ કેનાલો તૂટી છે. જેથી કેટલાક ખેડૂતોનો પાક અને જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. ક્યાંક કેનાલોની સફાઈના અભાવના કારણે, તો ક્યાંક વધારે છોડવામાં આવતા પાણીના કારણે કેનાલો તૂટી રહી છે. જેનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે.
સરહદી પંથકના લોદ્રાણી માઇનોરમાં 30 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતનો ચામાસુ પાક ધોવાઇ ગયો હતો અને લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો હતો, જયારે ગંભીરપુરા ચુવા માઇનોરમાં પણ ભંગાણ થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
વાવના ઢીમા પાસે આવેલી રાછેણા મેઇન ડિસ્ટ્રીક કેનાલની સાઈડમાં સાયફન બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જે સાયફનની કામગીરી કરવામાં આવી રહી હતી તે હલકી ગુણવત્તાની હોવાથી શુક્રવનારે કેનાલમાં ગાબડું પડ્યાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ કેનાલમાં ગાબડું પડવાથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. જે આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં જુવાર, બાજરી અને મગના પાકને મોટું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે, આ કેનાલ 6 મહિનામાં ત્રીજી વખત તૂટી છે. જેથી ખેડૂતો રોષે ભરાયા છે.