- મંદિરમાં ચોરી કરી તરખાટ માચાવનારી ગેંગ ઝડપાઇ
- બનાસકાંઠા પોલીસે 92 મંદિરમાં ચોરી કરતી ગેંગને દબોચી લીધી
- તસ્કરો ધજા સાથે રાખી પગપાળા યાત્રાળુ બની રાત્રે મંદિરમાં રોકાઈ ચોરી કરતા હતા
બનાસકાંઠાઃ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંદિરમાં ચોરીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હતો. જેથી બનાસકાંઠા જિલ્લાની LCBની ટીમ તેમજ સ્થાનિક પોલીસ પણ સતર્ક રહી તસ્કરોની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન જિલ્લા એલસીબીની ટીમ અને દાંતીવાડા પોલીસ દાંતીવાડાની બીએસએફ કોલોની પાસે હતી, તે સમયે ત્રણ યુવકો શંકાસ્પદ હાલતમાં જણાતા તેમની ,પૂછપરછ શરૂ કરી હતી. તે દરમિયાન તેમની પાસેથી પાના, પકડ તેમજ પાઇપ જેવી ચીજ વસ્તુઓ જણાતા જ પોલીસને તેમના પર શંકા ગઈ હતી અને તેઓની કડક પુછપરછ કરતા તેઓએ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.
92 મંદિરમાં ચોરી કરી હોવાની કરી કબૂલાત
જેથી પોલીસે અશોક બેચર પંચાલ, બહાદુરસિંહ જેણુભા વાઘેલા અને સંજય મહેશ સેધમા નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી તપાસ કરતા આ શખ્સો રાત્રિના સમયે ધજા સાથે રાખી પગપાળા યાત્રાળુઓ બનીને અલગ-અલગ મંદીરોમાં રોકાઈ જતા હતા અને મોડી રાત્રે મંદિરમાંથી ચોરી કરી ફરાર થઈ જતા હોવાની મોડેલ ઓપરેનડી ધરાવતા હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય તસ્કરોએ અત્યાર સુધી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 92 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યૂં હતું. જેથી પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી સોનું, ચાંદી તેમજ રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ ચલાવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટના
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી હતી. ગેંગને જાણે પોલીસની સહેજ પણ ડરના હોય તેમ એક બાદ એક બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં મોટી મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં હતા. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ ચોરીઓની ઘટનાઓ સામે આવી હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દિયોદરમાં તસ્કરોએ સૌથી વધુ ચોરીની ઘટના અંજામ આપી હતી. ત્યારે હવે ચોરો રહેણાક વિસ્તારોને છોડી મંદિરોને નિશાન બનાવી મોટી મોટી ચોરીઓને અંજામ આપતા હતા. જેથી પોલીસ સક્રિય બની મંદિરોમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.