બનાસકાંઠામાં ખેડૂતો પર એક પછી એક મોટી આફતો આવી રહી છે. જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડના આતંકના કારણે ખેતીમાં ભારે નુકસાન થયુ હતું, ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. હાલમાં સરહદી વિસ્તારમાં ઈયળોના આતંકના કારણે ખેડૂતોના પાક સડી રહ્યો છે. આમ જિલ્લાના ખેડૂતો વારંવાર થતાં નુકસાનના કારણે આર્થિક બોજા હેઠળ દબાઈ રહ્યા છે.
આ વર્ષે કમોસમી વરસાદમાં થયેલાં નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે ખેતીવાડી અધિકારી અને સ્થાનિક તલાટીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરાવી હતી, ત્યારબાદ સરકાર દ્વારા ૩૩ ટકાથી વધારે નુકસાનવાળા ખેડૂતોને વળતર આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બનાસકાંઠા જિલ્લાના એવા કેટલાય ગામો છે હજુ સુધી કોઈપણ જાતનો સર્વે કરવામાં આવ્યો નથી. જેમાં 50 ટકા નુકસાન ધરાવતા ખેડૂતો પણ છે. જેમને ત્યાં કોઈ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી વેઠવી રહ્યાં છે. આ વર્ષે ખેડૂતોએ સારી આવકની આશાએ વાવણી કરી હતી. પરંતુ કમોસમી વરસાદ કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યાં પર પાટુ જેવી થઈ છે. ગુજરાત સરકાર દ્વારા ૩૩ ટકાથી વધુ નુકસાન ધરાવતાં ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 20 ટકા નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પણ વળતર આપવાની જાહેરાત કરી હતી. છતાં આજદિન સુધી કોઈ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી વહેલી તકે સર્વે કામગીરી કરવામાં માટે લોકમાગ પ્રબળ બની છે."