પાલનપુરઃ બનાસકાંઠાના વાવમાં નવા ચાર કેસો સામે આવતા જ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 16 પર પહોંચ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ વધુને વધુ લોકોને તેના ભરડામાં લઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઈરસ ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 9 દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા 16 થઈ ગઈ છે. સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના પાંચ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ ચાર નવા કેસો સામે આવ્યા છે.
જેથી હવે વાવ તાલુકો પણ કોરોના હોટ સ્પોટ બની ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં જ અત્યાર સુધી દસ કોરોનાના દર્દીઓ મળ્યા હતા. જોકે આ વખતે વાવમાં કોરોનાના 4 કેસો સામે આવ્યા છે. તે તમામ અલગ-અલગ ગામના છે એટલે કે વાવ તાલુકાના મીઠાવીચારણ ,માવસરી ,દૈયપ અને આકોલી ગામમાંથી અલગ-અલગ ચાર કેસો મળ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે અને હવે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ ગામોને સિલ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.