- કાંકરેજ પાસે પાસ પરમીટ વગરના 4 ડમ્પર ઝડપાયા
- ટ્રેલરો હરિયાણા અને રાજસ્થાનથી ફેલ્સપાર ભરીને મોરબી તરફ જતા હતા
- બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનીજ ચોરીમાં વધારો
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી. જે બાબત ધ્યાને લઇ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી સુભાષ જોશીની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં જ અલગ- અલગ જગ્યાએથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ફેલ્સપાર ભરેલા ટ્રેલર ઝડપી પાડયા છે. જેમાં ગુંદરી બોડરથી બે ટ્રેલર ઝડપાયા બાદ ફરીથી શિહોરી પાસેથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ફેલ્સપાર ભરેલા 4 ટ્રેલર ઝડપી પાડયા હતા. આ ટ્રેલરો હરિયાણા અને રાજસ્થાનથી ફેલ્સપાર ભરીને મોરબી તરફ જતા હતા. જે દરમિયાન બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમના હાથે લાગી જતા ટીમે ખનીજ ચોરી કરતા ચારેય ટ્રેલર ઝડપી પાડી એક કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ટ્રેલર માલિકો સામે દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ખાણ ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
એક કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ખનીજ ચોરી ડીસા શહેરમાં જોવા મળી રહી છે. ડીસા શહેરમાંથી પસાર થતી બનાસનદીની રેતી સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ મોટા પ્રમાણમાં ડમ્પરો મારફતે પહોંચાડવામાં આવે છે, ત્યારે કેટલીકવાર ખનીજ માફિયાઓ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં પાસ પરમીટ વગરની રેતી ભરી ગુજરાતમાંથી રાજસ્થાનમાં પરિવહન કરતાં હોય છે. બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા વારંવાર ખનીજ ચોરી કરતા લોકો સામે વારંવાર કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં પણ હજુ બનાસકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ખનીજની ચોરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગનો સપાટો-માત્ર ચાર દિવસમાં જ 32.27 લાખનો દંડ વસુલ કર્યો