- પૂર્વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પર ઊંચા ભાવે માસ્કનો જથ્થો ખરીદવાનો આરોપ
- 49.61 રૂપિયામાં ખરીદવાના માસ્ક રૂપિયા 274.98ના ભાવે ખરીદ્યા
- વાવ,થરાદ અને પાલનપુરના ધારાસભ્યો તેમજ સાંસદ દ્વારા સરકારને રજૂઆત
બનાસકાંઠા : જિલ્લાના પૂર્વ મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સી પર આરોપ છે કે, કોરોના જ્યારે વધ્યો હતો, ત્યારે સરકારે તમામ આરોગ્ય કર્મીઓ માટે માસ્ક ખરીદવા જણાવ્યું હતું. જે ખરીદી માટે સરકારે N-95 માસ્ક 47 રૂપિયા અને 61 પૈસે ખરીદવાના હતા, પરંતુ ડૉ. મનીષ ફેન્સીએ પોતાના મડતીયાઓની કંપની પાસેથી સરકારી ભાવથી ખૂબ ઊંચા ભાવે એટલે કે 247 રૂપિયા અને 98 પૈસાના ભાવે લાખ્ખો રૂપિયાના માસ્ક ખરીદ્યા હતા. GEM(જેમ)પોર્ટલના તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓના પાસવર્ડ લઈ મસમોટું કૌભાંડ આચરાયું હતું. જે અંગેની રજૂઆતો ધાનેરાના તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જ કરાઈ હતી.
મીડિયા સમક્ષ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા
વાવ અને થરાદના ધારાસભ્યો તેમજ જિલ્લાના સાંસદે પણ લેખિતમાં સરકારને આ કૌભાંડ વિશે રજૂઆત કરી હતી. આ તમામ આરોપો વચ્ચે પાલનપુર સર્કિટ હાઉસે આવેલા ડૉ. મનીષ ફેન્સીએ મીડિયા સમક્ષ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા હતા. સરકારની તપાસમાં જે તથ્ય બહાર આવશે તેને માનવાની બાંહેધરી આપી હતી.
સરકાર દ્બારા ટેંડર ભરવા માટેની GEM(જેમ) પોર્ટલ
ETV ભારતની ટીમે ડૉ.મનીષ ફેન્સીને વધુ ભાવે ખરીદી અંગે સવાલ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્બારા ટેંડર ભરવા માટેની GEM(જેમ) પોર્ટલ છે,અને તેમાં જે ભાવ હતા તે ભાવ પ્રમાણે જ ખરીદી કરાઈ છે. કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર આમાં થયો નથી.
સરકારની તપાસમાં જે બહાર આવશે તેને શિરોમાન્ય ગણશે
આ સમગ્ર મામલે ધારાસભ્યો તેમજ સાંસદ દ્બારા પણ સરકારમાં લેખિત રજૂઆત કરાઇ છે. આ અંગે ડૉ. મનીષ ફેન્સીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ જનતાના પ્રતિનિધિ છે. તેમની પાસે આવી ફરિયાદ આવી હશે. તેથી તેઓએ પોતાની ફરજના ભાગરૂપે સરકારનું ધ્યાન દોર્યું છે અને સરકારની તપાસમાં જે બહાર આવશે તેને હું શિરોમાન્ય ગણાવીશ.
દોઢ માસ અગાઉ વડોદરા નાયબ આરોગ્ય નિયામક તરીકે નિમણૂક
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ માસ્કની લાખ્ખો રૂપિયાની ખરીદી એપ્રિલ-મે માસના સમયમાં કરી હતી. જોકે, દોઢ માસ અગાઉ જ તેમને સરકારે પ્રમોશન આપી વડોદરા નાયબ આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપી હતી. જે બાદ આ મામલો પ્રકાશમાં આવતાં જિલ્લા પૂર્વ આરોગ્ય અધિકારી સામે સરકારી તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.