બનાસકાંઠા: ડીસા તાલુકાના બુરાલ ગામે ગત 10 ઓગસ્ટના રાત્રે અનુપમંડળ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાલોતરાના ધરતી માતા જ્ઞાન મંદિરના મહારાજ મુકનારામ માનારામ માળી દ્વારા જૈન ધર્મ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. વિવેદિત નિવેદન આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ દાખલ: મહારાજે તેમની જાહેર સભામાં જણાવ્યું હતું કે તમામ પ્રકારના રોગચાળા કુદરતી, આપત્તિઓ તેમજ હાલમાં ગૌમાતામાં ફેલાયેલો લંપી નામનો રોગ જૈનો દ્વારા ફેલાવવામાં આવ્યો છે. આવા જૈન સમાજ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરી તેના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો છે. જે મામલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં જૈન સમાજની લાગણી દુભાતા નગરસેવક પીન્કેશભાઈ દોશીએ મહારાજ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસ: તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે અનુપ મંડળ સંગઠનના લોકોએ બુરાલ ગામે સભા યોજી જૈન ધર્મ સામે ખોટી અફવાઓ ફેલાવી છે. અન્ય ધર્મના લોકો જૈનોનો વિરોધ કરતા થાય, જૈન ધર્મ સામે અન્ય ધર્મના લોકોમાં દુશ્મનાવટ ધીત્કાર અને દ્વેષની લાગણીઓને પ્રોત્સાહન આપવા તેમજ જૈન માન્યતાઓનું ઇરાદાપૂર્વક અપમાન કરીને ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવા ગુન્હો આચરવાના ઇરાદે સભાનું આયોજન કર્યું હતું. જે મામલે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
'અનુપમ મંડળના મહારાજ મુકનારા માનારામ માળી દ્વારા જૈન સમાજ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. તેથી અમે ડીસા તાલુકા પોલીસ મથકે ભડકાઓ ભાષણ આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આમાં તટસ્થ તપાસ કરી અમને ન્યાય આપે તેવી અમારી માંગણી છે.' -પીંકેશ દોશી, ફરિયાદી
પોલીસ એક્શનમાં: આ બાબતે ETV ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.એમ પટણીએ જણાવ્યું હતું કે પિંકેશ દોશી દ્વારા અમારા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અનુપમ મંડળના મહારાજ દ્વારા જૈન સમાજ વિરુદ્ધ ભડગાવ ભાષણ આપે છે અને તેવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેથી પોલીસે ગુનો નોધી આ ભડકાઉ ભાષણ આપનાર મોગના રામ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.