બનાસકાંઠાનું ડીસા બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં બટાકાના વાવેતરની શરૂઆત ડીસાની બનાસ નદીમાં થઈ હતી ત્યારે શક્કરટેટી અને તરબૂચના વાવેતર પણ વર્ષો પહેલા બનાસ નદીમાં થતા હતા. પરંતુ સમય જતાં નદીના નીર સુકાયા તેની સાથે બટાકાની જેમ ટેટી અને તરબૂચનું વાવેતર પણ ખેડૂતોએ ખેતરમાં શરૂ કર્યું.
બનાસકાંઠા જિલ્લામાંથી વર્ષ 2008માં ખેડૂતોનું પ્રતિનિધિમંડળ ઇઝરાયેલ આધુનિક ખેતી પદ્ધતિ જોવા ગયા હતા. ત્યાં મોટાભાગના ખેતરોમાં આધુનિક પદ્ધતિથી શક્કરટેટી અને તરબૂચનું વાવેતર જોવા મળતા ડીસાના ખેડૂતો એ પણ આ પ્રગતિશીલ ખેતીનો માર્ગ અપનાવ્યો હતો. શરૂઆતમાં બે હેકટરથી શરૂ થયેલી આ ખેતી ચાલુ વર્ષે પાંચ હજાર હેક્ટરથી પણ વધુ જમીનમાં ફેલાઇ છે. અન્ય ચીલાચાલુ ખેતી કરતા તરબૂચ અને સક્કરટેટીમાં સારા ભાવ મળતા હોવાથી મોટાભાગના ખેડૂતો આ ખેતી તરફ વળીસ રહ્યાં છે. ડીસાના ખેડૂતો મલ્ચીંગ પધ્ધતિ અપનાવી અત્યાધુનિક પદ્ધતિથી આ ખેતી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં બાજરી અને મગફળીનું વાવેતર થતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ખેડૂતો ટેટી અને તરબૂચના વાવેતર તરફ આગળ આવ્યા છે. આ ખેતી પદ્ધતિમાં અન્ય ખેતી કરતાં થોડો ખર્ચ વધુ થાય છે પરંતુ તેની સામે ઉત્પાદન ચાર ગણું મળે છે. જેથી ખેડૂતો માટે આ ખેતી ખૂબ જ ફાયદાકારક છે. ડીસાની ટેટી અને તરબૂચનું ધીરે-ધીરે હવે અખાતી દેશોમાં પણ નિકાસ થવા લાગી છે.