બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારોમાં જ્યારથી નર્મદા નહેર આવી છે. ત્યાંથી સરહદી વિસ્તારના ખેડૂતોની સમસ્યા હલ થઈ છે. નર્મદાનું પાણી સરહદી વિસ્તારમાં વહેતું થતા ખેડૂતોને પોતાના પાકમાંથી સારી એવી કમાણી થઈ રહી છે. પરંતુ સરકાર દ્વારા વર્ષો પહેલા આ વિસ્તારમાં નર્મદા નહેર બનાવવાના પ્રોજેકટ હેઠળ ખેડૂતોની જમીન ખરીદવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતો હાલ સરકાર પાસે જમીન સંપાદનના નાણાં માંગી રહ્યા છે.
થરાદના કચ્છ શાખા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને નર્મદા કેનાલમાં થયેલા જમીન સંપાદનના બાકી નાણા ખેડૂતોને ચૂકવવા બાબતે થરાદ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને સાથે રાખીને સુઇગામ તાલુકાના બેણપના ખેડૂતોએ આ રજૂઆત કરી હતી. જેમાં ખેડૂતોની જમીનને વર્ષ 2006 અને 2007માં સરકારે નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરી હતી અને વર્ષ 2010-11માં નર્મદાના પાણી આવ્યા હતા. તે સમયે 25 ટકા નાણા ખેડૂતોને સરકારે ચૂકવેલા હતા અને બાકી નાણા હજુ સુધી ખેડૂતોને ચુકવ્યા નથી.
ખેડૂતોએ ઘણીવખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતા માડકા બ્રાન્ચની ભરડવા ટેલ ડિસ્ટ્રી, બેનપ ડિસ્ટ્રી, બેનપ માઇનોર-1, બેનપ માઇનોર-2 જેનો એમ.આર નંબર- 32/3/1 છે. તેના નાણા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી. જેથી બુધવારના રોજ થરાદ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને સાથે રાખી ખેડૂતોએ થરાદ નર્મદા વિભાગની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર તાત્કાલિક ધોરણે નાણાની ચૂકવણી કરે તેવી માંગ કરી હતી.
આ બાબતે હાલ તો નર્મદા વિભાગના અધિકારીઓએ ટૂંક સમયમાં નાણાની ચૂકવણી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે, ખેડૂતોએ 26મી જાન્યુઆરી સુધી જો સરકાર દ્વારા નાણાની ચૂકવણી નહીં કરવામાં આવે તો 26મી જાન્યુઆરી પછી તમામ ખેડૂતો નર્મદા વિભાગની કચેરી આગળ હડતાલ પર બેસવાની ચીમકી આપી હતી અને તેમાં થરાદના ધારાસભ્ય પણ જોડાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.