- રણ જેવા વિસ્તાર લાખણીમાં દાડમની ખેતીની શરૂઆત
- કુદરતી આપત્તિના કારણે દાડમની ખેતીમાં નુકસાન
- બાગાયતી અધિકારીની ખેડૂતોને સલાહ
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી દાડમની ખેતી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન દાડમ થતાં હતા. જે આ વર્ષે માંત્ર 4 ટન દાડમ પાકે તેવી શક્યતા છે. આ વર્ષે થયેલા વધુ વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. જેથી જિલ્લમાં દાડમનો 60 ટકા પાક નાશ પામ્યો છે. જેનાથી કંટાળેલા ખેડૂતો ખેતરમાંથી દાડમના છોડ ઉખેડી રહ્યા છે.
રણ જેવા વિસ્તાર લાખણીમાં દાડમની ખેતીની શરૂઆત
બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકોએ દાડમની ખેતી માટે જાણીતો છે. આમ તો આ રણ વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે. પરંતુ પાણીની અછતવાળા વિસ્તારમાં પણ અહીંના વિકલાંગ એવા ગેનાજી પટેલે દાડમની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. તેમને દાડમની ખેતીમાં કાઠું કાઢયા બાદ આજુબાજુના ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળ્યા છે. આજે જિલ્લામાં 6,800 હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન ઉત્પાદન થતું હતું. હવે તે 40-50 હજાર ટન દાડમ પાકશે. 2015, 2017 ,2019 અને 2020 એમ છેલ્લા 5 વર્ષથી દાડમની ખેતી બરબાદ થઈ રહી છે. ગુજરાત સરકાર બાગાયતી પાકને પૂરતું વળતર આપતી નથી. જેના કારણે અહીંના ખેડૂતો ને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
દાડમના ભાવમાં ઉછાળો થતા ખેડૂતોની આવકમાં વધારો
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં 2010માં દાડમના એક કિલોનો ભાવ સરેરાશ રૂ.161 હતો. દાડમ દાદાના કારણે ઉત્પાદન વધ્યું અને ભાવ એક કિલોના સરેરાશ રૂ.66 થઈ ગયા છે. જેના કારણે દાડમની ખેતીમાં 10 ટનનું હેક્ટરે ઉત્પાદન વધીને 20 થી 26 ટન થયું છે. શરૂઆતમાં દાડમના પાકમાં હેક્ટરે રૂ.14.49 લાખની આવક હતી. જે વધીને રૂ.17.16 લાખ આવક થઈ છે.
કુદરતી આપત્તિના કારણે ખેડૂતોને નુકસાન
2015 અને 2017માં આવેલા ભારે પૂરના કારણે પરિસ્થિતિ બદલાઈ છે. સતત બદલાતા વાતાવરણના કારણે લાખણીમાં ખેડૂતોને સતત દાડમના પાકમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જે દાડમના નામથી લાખણી વિસ્તાર જાણીતો થયો હતો. તે દાડમ હવે અહીંના ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત દાડમના ભાવ ન મળતા અને કુદરતી આપત્તિઓથી નુકસાન થતા કંટાળેલા ખેડૂતો પોતાના ખેતરમાંથી દાડમના છોડ ઉખેડી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં દાડમના છોડ પર ટ્રેક્ટર ફેરવી દીધુ છે, તો કેટલાક ખેડૂતોએ કુહાડી અને ધારિયા વડે દાડમના છોડને નેસ્તનાબૂદ કરી અન્ય ખેતીનો વિચાર કર્યો છે. સતત દાડમની ખેતીમાં થયેલા નુકશાનની સહાય માટે લાખણી તાલુકાના ખેડૂતોએ સરકારમાં અનેકવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા ખેડૂતોને કોઈ જ પ્રકારની સહાય આપવામાં આવી નથી. ત્યારે હવે જો સરકાર દ્વારા બટાટા, મગફળી, રાયડો અને બાજરીમાં જે રીતે સહાય આપવામાં આવે છે તેમ લાખણીના ખેડૂતોને મદદ કરવામાં આવે તો આવનારા સમયમાં લાખણીનું સોનુ ગણાતા દાડમ બચી શકે છે.
બાગાયતી અધિકારીની ખેડૂતોને સલાહ
બનાસકાંઠાના લાખણી, થરાદ, વાવ અને દિયોદર જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો દાડમની ખેતી કરી છે. પરંતુ આ વર્ષે સતત ભેજવાળા વાતાવરણના કારણે ખેડૂતોને દાડમના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ દાડમના છોડ નીકાળી દેવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે જિલ્લા બાગાયતી ખેતી અધિકારીએ ખેડૂતોને દાડમના પાકમાં સલાહ આપતાં જણાવ્યું હતું કે, દાડમના પાક લેવા માટે જે ખેડૂતો જૂન મહિનામાં દવાઓનો છંટકાવ કરે છે, તે ન કરવો જોઇએ અને ભેજવાળું વાતાવરણ પૂર્ણ થયા બાદ જ ખેડૂતોએ દાડમના પાકને ખાતર અને દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જેનાથી વારંવાર થતા નુકસાનથી બચી શકાય. આ ખેડૂતોએ જે મોટા પ્રમાણમાં રાસાયણિક દવાઓ દાડમના પાકમાં નાખી હતી. તે ન નાખવી જોઇએ અને તેની જગ્યાએ જૈવિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જ ખેડૂતોને પોતાના પાકમાં નુકસાનથી બચી શકાય છે.