બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કિસાન સહાય યોજના 2020 બહાર પાડવામાં આવી છે. જેમાં ખેડૂતોને થયેલા નુકસાનના પૈસા ચૂકવવાની જાહેરાત કરાઇ છે, પરંતુ આ જાહેરાતથી જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોન્ફરન્સમાં ખેડૂતોને લક્ષીને જણાવ્યું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. ત્યારે ખેડૂતોને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. તમામ ખેડૂતોને મફતમાં પાક યોજનાનો લાભ પણ આવનાર સમયમાં મળશે.
ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકાર મોટી યોજનાઓની જાહેરાત કરી રહી છે. રાજ્યના 60 લાખ ખે઼ડેતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજનાની સરકારે જાહેરાત કરી છે. રૂપાણી સરકારની આ સૌથી મોટી જાહેરાત છે. આ યોજનામાં 33 થી 60 ટકા વચ્ચે નુકશાન હશે તો હેક્ટરે 20 હજારની સહાય જ્યારે તેનાથી વધારે નુકશાન હશે તો 26 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.
વધુમાં રૂપાણીએ કિસાન સહાય યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે, આ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થનારા નુકસાનમાં આ યોજનાનો લાભ મળશે. તેમજ ચાર અઠવાડીયા સુધી વરસાદ નહી પડે તો પણ ખેડૂતોને લાભ મળશે. ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલા ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતોને મળશે.
જિલ્લામાં ખેડૂતે છેલ્લા ઘણા સમયથી એક પછી એક અનેક કુદરતી આપત્તિઓથી નુકસાન વેઠી રહ્યા છે. જિલ્લામાં 2015 અને 2017 બાદ 2020માં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દર વર્ષે સરકાર દ્વારા ખેડૂત લક્ષી જે જાહેરાત કરવામાં આવે છે તે જાહેરાત સાચા ખેડૂતો સુધી પહોંચતી નથી અને માત્ર બનાસકાંઠા જિલ્લામાં સર્વે કર્યા વગર જ સીધે સીધું લાગતા-વળગતા ખેડૂતોને સરકારની સહાય આપી દેવામાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી આપત્તિનો માર સહન કરી રહેલા ખેડૂતો સરકારની સહાયથી ખુશ જોવા મળતા નથી. છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ન મળતા ખેડૂતો સરકારની સહાયથી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે હાલમાં કિસાન સહાય યોજના 2020 જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તે યોજનાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.