- ઈઠાટા ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો
- સિંચાઇ માટે પાણી ના આવતા ખેડૂતોમાં રોષ
- 200 જેટલા ખેડૂઓએ કેનાલ પર ઢોલ વગાડી વિરોધ કર્યો
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે, પણ તે કેનાલમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારના ગામડાઓમાં ખેડૂતો પાણી માટે રાત દિવસ વાટ જોતા હોય છે, પરંતુ પાણી ન મળતા આખરે ખેડૂતો કંટાળીને ઘરે જતા રહે છે. થરાદ તાલુકાના ઈઠાટા ગામના ખેડૂતોને છેલ્લા કેટલાય દિવસથી સિંચાઈ માટે પાણી ન મળતાા ઈઠાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં રવીવારે 200 જેટલા ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
કેનાલમાં બે મહિનાથી નથી આવી રહ્યું પાણી
બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ અને સૂઇગામ તાલુકાના કેટલાક એવા ગામડાઓ છે, જ્યાં નર્મદા નિગમ દ્વારા કેનાલ તો બનાવવામાં આવી છે, પરંતું પાણી ના મળતા કેનાલ કોરીધાકોર જોવા મળી રહી છે. ઈઠાટા ગામમાં રવિ સિઝનનો બે મહિના પૂર્ણ થવા આવ્યા હોવા છતાં પણ હજુ નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવ્યું નથી, જેથી કરીને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઇઠાટા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઇઠાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં બે મહિનાથી પાણી આવતું નથી. અમે કેટલીય વાર લેખિત અને મૌખિક રજુઆત કરી છે છતાં હજુ પાણી મળતું નથી. અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે કેનાલમાં પાણી છોડવામાં આવે.