પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો એ અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. જિલ્લામાં મોટાભાગે લોકો ખેતી પર જ પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે વાવેતર ઘટયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2015 અને 17માં આવેલા ભયંકર પૂરના કારણે વાવેતરનું પ્રમાણ ઘટયું હતું. તો આ તરફ વર્ષ 2018 અને 19 માં જિલ્લામાં નહિવત વરસાદના કારણે પણ વાવેતરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને એક પછી એક વાવેતરમાં નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બન્યા હતાં. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી છોડી અને પશુપાલન તરફ વળ્યા હતા.
તો બીજી તરફ સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક તાલુકાઓમાં છેલ્લા બે વર્ષથી અને કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતો એક પછી એક ખેતીમાં મોટુ નુકસાન કરી રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડનું આક્રમણ, ઈયળોનો ઉપદ્રવ, કમોસમી વરસાદ અને કરાના વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જિલ્લાના ખેડૂતોની માગમાં પાંચ વર્ષ પછી મોઢા પર ખુશી જોવા મળી રહી છે.
વરસાદથી ખેડૂતોને થયો ફાયદો
ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક વેઠવી રહેલા નુકસાનમાંથી રાહત મળી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પડેલા સારા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય ડેમોમાં પૂરતું પાણી પણ આવી ગયું છે. જેના કારણે આગામી સમયમાં તમામ ડેમોના આજુબાજુના અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાણીના તળ ઉંચા આવવાના કારણે ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં સો ટકા વરસાદ પડવાથી ખેતીના પાકોને નવું જીવનદાન મળ્યું છે. ચાલુ વર્ષે મોડેથી શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોને સારી થઈ પોતાના પાકમાં સારી આવક મળી રહે તેવી આશા જાગી છે. ત્યારે સતત મંદી ભોગવી રહેલા ખેડૂતો આ વર્ષે મંદીમાંથી બહાર આવી શકશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
વાવેતર વધ્યું
ત્રણ વર્ષથી પાણીની તંગી હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં વાવેતર ઓછું થયું હતું. ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 5.31 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ચાલુ વર્ષે સારા વરસાદના કારણે વધીને 6.24 લાખ હેક્ટર થયું છે. ત્યારે આ વર્ષે સારા વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં 89 હજાર હેક્ટરમાં વાવેતરનો વધારો થયો છે. વર્ષ 2015 અને 2017માં આવેલા ભારે પૂરના કારણે જિલ્લામાં વાવેતર ઘટ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ થયો છે. જેથી આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વાવેતરનું પ્રમાણ વધ્યું છે.
ચાલુ વર્ષે મગફળી 1.41 લાખ હેક્ટરમાં વાવેતર, ઘાસચારો-1.18 લાખ હેક્ટર, કપાસ-41 હજાર હેક્ટર, કઠોળ-10 હજાર હેક્ટર અને ખરીફ બાજરી- 98 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં સારા વરસાદથી આ વર્ષે જિલ્લામાં તમામ પાકોને ફાયદો થયો છે.