- બેન્ક દ્વારા કૃષિ આધારિત હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે
- બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખાનગી બેન્કોમાંથી લઇ રહ્યાં છે પાક વીમા
- ડીસામાં ખેડૂતો સાથે થયેલી છેતરપિંડીના 12 કેસો નોંધાયા
- બેન્ક દ્વારા કૃષિ આધારિત હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે
બનાસકાંઠા: બેન્ક દ્વારા કૃષિ અને કૃષિ આધારિત હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે. જે મહદ્દઅંશે વરસાદ અને કુદરતને આધારિત છે. તેથી સ્વાભાવિક છે કે, બેન્કની વસુલાત તેનાથી પ્રભાવિત થાય અને વસુલાતની અનિશ્ચિતતા રહે. આ સિવાય દુષ્કાળ, કુદરતી આફતો, ગામડાઓનું નબળું અર્થતંત્ર, રીઢા બાકીદારો, બાકીદારોનો સમયસર સંપર્કનો અભાવ, લોનનો દુરુપયોગ , ધિરાણની ખામીયુક્ત પદ્ધતિ જેવા પરિબળો પણ બેન્કના ધિરાણ મુદત વીતી થવા માટે જવાબદાર છે. તેમ છતાં બેન્ક દ્વારા કરવામાં આવતા શ્રેષ્ઠ પ્રયત્નોથી મુદત વીતી રકમની વસુલાત કરી બેન્કનું આર્થિક ચક્ર ખુબ જ સારી રીતે ચલાવવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ સોસાયટીઝ એક્ટની જોગવાઈઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી
બેન્કની શાખાઓમાં દર વર્ષે ધિરાણના હપ્તાઓની ગણતરી કરી તેનું ખાતેદાર દીઠ માંગણા પત્રક બનાવવામાં આવે છે. તેના આધારે હપ્તાની પાકતી તારીખ અગાઉ દરેક ખાતેદારને બેન્કની લગતી શાખાએથી હપ્તાની રકમ દર્શાવતી માંગણાની નોટીસ મોકલી આપવામાં આવે છે. શાખાઓ દ્વારા ખાતેદારોને હપ્તાની રકમ સમયસર- નિયમિત ભરપાઈ કરી આપવા માટે ટેલીફોનિક તથા રૂબરૂ સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં જો ખાતેદાર દ્વારા હપ્તાની રકમ પાકતી તારીખ સુધીમાં ભરપાઈ કરવામાં ના આવે તો તે ખાતેદાર મુદત વીતી બાકીદાર ગણાય છે અને તેઓની સામે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ સોસાયટીઝ એક્ટની જોગવાઈઓ અનુસાર કાયદેસરના પગલા ભરી શકાય છે.
આ પણ વાંચો - બટાકામાં ભયંકર મંદી વચ્ચે પણ બનાસકાંઠાના 20 ટકા ખેડૂતોને મળ્યાં બજારભાવથી પણ ડબલ ભાવ
ગુજરાત રાજ્ય સહકારી કાયદા મુજબ આપવામાં આવતી સહાય
ગુજરાત રાજ્યના સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ ખેતી બેન્કને ટૂંકી મુદત માટે ધિરાણ કરવાની મંજુરી મળતી નથી. પરંતુ આ બેન્કમાંથી લોન મેળવેલી હોય અને તેવા ખાતેદારને ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ, ખેતીવાડીના સાધનો ખરીદવા કે મશીનરી રીપેરીંગ માટે, વીજળી બીલના નાણાં ભરવા વિગેરે જેવા હેતુઓ માટે જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓને સરળતાથી નાણાં ધિરાણ મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ યોજના શરુ કરી છે.
સરકાર દ્વારા આપવામાં આવતી ધિરાણ યોજનાઓ પર ખેડૂતોના મંતવ્યો
બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે સરહદી વિસ્તારમાં ખેડૂતો પોતાના પાકમાં નુકસાન કરી રહ્યાં છે, ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો મોટાભાગે વંચિત જોવા મળી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં 2015 બાદ બે વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પૂરગ્રસ્ત હોવા છતાં પણ સહાયથી વંચિત જોવા મળી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વધુમાં જણાવી રહ્યાં છે કે, સરકાર દ્વારા ખેડૂતોને છે પણ સહાય આપવામાં આવે છે. તેમાં તપાસણીનો સમય લાંબો હોય છે. જેના કારણે ખેડૂતોને અવારનવાર હેરાન થવાનું હોય છે, જેના કારણે મોટાભાગના ખેડૂતો સરકારી સહાય લેતા નથી. તો બીજી તરફ સરકાર દ્વારા પાક ધિરાણ માટેની પણ સહાય આપવામાં આવે છે. પરંતુ દર વર્ષે ખેડૂતોને પોતાના ખાતામાંથી વીમાના પૈસા કપાતા હોવા છતાં પણ ખેડૂતોને વીમાના પૈસા ચૂકવવામાં આવતા નથી, જેના કારણે મોટાભાગના ખેડૂતો સરકારની સહાય કરતા ખાનગી બેન્કોમાં વધુ પડતા ખાતા ખોલાવી પૈસા ઉપાડતા હોય છે અને પ્રાઈવેટ કંપનીઓ પણ ખેડૂતો પાસેથી ઊંચા દરે વ્યાજ લઈ પૈસાની વસૂલાત કરતા હોવા છતાં પણ ખેડૂતો મોટાભાગે ખાનગી બેન્કોમાં જ જતા હોય છે, ત્યારે ખરેખર સરકાર દ્વારા ખેડૂતોને સમયસર અને યોગ્ય રીતે સહાય આપવામાં આવતી હોય તો જ ખેડૂતો બહાર છેતરાતા અટકી શકે તેમ છે.
ખાનગી બેન્કોમાં છેતરાતા ખેડૂતો ઉપર જિલ્લા કલેક્ટરનું નિવેદન
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલમાં મોટાભાગે ખાનગી બેન્કોમાં ઊંચા દરે પૈસા લાવી અને ખેતી કરતા હોય છે. તો બીજી તરફ પોતાના પાકમાં થતા નુકસાનને લઇને ખાનગી બેન્કોમાં પણ વીમા લેતા હોય છે, જેથી અવારનવાર જિલ્લાના ખેડૂતો આવી બેન્કો ઉઠી જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરતા હોય છે. જિલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા માન્ય બેન્કોમાંથી જ વીમા અને સહાય લેવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી. વારંવાર થતા કુદરતી આફતોના નુકસાનના પગલે સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતોને અનેકવાર સહાય ચૂકવવામાં આવી છે, ત્યારે હાલમાં જે પ્રમાણે ખેડૂતો ખાનગીબેન્કોમાં છેતરાઇ રહ્યાં છે તેને લઇ જિલ્લા કલેક્ટરે આ બેન્કોમાં ખાતા ન ખોલવાની અપીલ કરી હતી.
10 જેટલા ખેડૂતોને ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ન્યાય પણ આપવામાં આવ્યો
ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો એક બાદ એક છેતરપીંડીનો શિકાર બની રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બેન્કોમાં ભરવામાં આવતા વીમામાં ખેડૂતો મોટાભાગે છેતરાતા હોય છે. ખેડૂતો ખાનગી બેન્કોમાં પોતાના પાકમાં થતા નુકસાનને લઇને વીમા કરાવતા હોય છે. પરંતુ જ્યારે કોઈ કુદરતી આફતોના કારણે નુકસાન થાય છે, ત્યારે જે બેન્કના નામે ખાતું ખોલાવ્યું હોય છે તે બેન્ક હોતી જ નથી. જેના કારણે ખેડૂતને મોટાભાગે નુકસાન વેઠવાનો વારો આવે છે. ડીસા ખાતે કાર્યરત ગ્રાહક સુરક્ષા મંડળમાં અત્યાર સુધી જિલ્લાના આવા ખેડૂતોના 12થી પણ વધુ કેસો નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 10 જેટલા ખેડૂતોને ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ન્યાય પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ખેડૂતોને ખેતી સામગ્રી આસાનીથી મળી રહે તે માટે I-ખેડૂત પોર્ટલનો શુભારંભ